જાપાનના આઈચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સમાંની શરૂઆત થવાની છે. આ વખતે એશિયન ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ભારતની મહિલા તથા પુરુષ બંને ક્રિકેટ ટીમો તેમાં ભાગ લેશે. BCCI દ્વારા બંને ટીમોના ખેલાડીઓની જાહેરાત પણ અગાઉ કરવામાં આવી ચૂકી છે.દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના રહેવાના વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. જોકે હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ અંગે મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એશિયન ગેમ્સની આયોજન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા આવાસમાં જ રોકાશે.

ટીમ ઈન્ડિયા અલગથી હોટલમાં નહી રોકાય

રાજીવ શુક્લાના જણાવ્યા અનુસાર આઈચી-નાગોયામાં સારા હોટેલની ઉપલબ્ધતા ઓછી હોવાના કારણે ખેલાડીઓના રહેવાની વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી. જોકે હાલમાં રહેવાની વ્યવસ્થાને લઈને કોઈ મોટી સમસ્યા નથી.તેમણે કહ્યું કે આયોજકો જે સુવિધા આપી રહ્યા છે, ટીમ ઈન્ડિયા ત્યાં જ રોકાશે. BCCI સતત એ પણ તપાસ કરી રહ્યું છે કે ખેલાડીઓને આપવામાં આવતું આવાસ કેવું છે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે.રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું કે આ આવાસ 5 સ્ટાર હોટેલ નથી, પરંતુ સારું અને આરામદાયક છે. BCCIએ ખેલાડીઓના રહેવાના સ્થળની તસવીરો અને વીડિયો પણ મંગાવ્યા છે.

https://x.com/ANI/status/2097330450129977478?s=20


ઓસાકા કે ટોક્યોમાં રોકાવાનો વિકલ્પ હતો

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઓસાકા અથવા ટોક્યોમાં રોકાવાનો વિકલ્પ પણ હતો. જોકે આ બંને સ્થળો ઇવેન્ટના સ્થળથી ઘણાં દૂર હોવાથી તે વ્યવહારુ વિકલ્પ માનવામાં આવ્યો નહોતો.આ કારણે ભારતીય ખેલાડીઓ માટે આયોજક સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા આવાસમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખેલાડીઓ અલગ-અલગ રૂમમાં રોકાશે

BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ વધુ એક મહત્વની વાત સ્પષ્ટ કરી છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ખેલાડીઓએ રૂમ શેર કરવાનો રહેશે નહીં.તમામ ખેલાડીઓ માટે અલગ-અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે આવાસ 5 સ્ટાર ન હોવા છતાં ખેલાડીઓની સુવિધા અને આરામનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

20 સપ્ટેમ્બરે ટોક્યો જશે ટીમ ઈન્ડિયા

Asian Games 2026 માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ 20 સપ્ટેમ્બરે ટોક્યો જવા રવાના થશે. ટીમ ઈન્ડિયા માટે જાપાન સામેની મેચ ખાસ બની રહેશે.ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરે ઐતિહાસિક T20 આંતરરાષ્ટ્રીય મુકાબલો રમાવાનો છે. આ મેચ એશિયન ગેમ્સ દરમિયાન ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે.જોકે એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનો સત્તાવાર પહેલો મુકાબલો 28 સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલમાં થશે.

એશિયન ગેમ્સમાં ભારતની નજર ગોલ્ડ મેડલ પર

ભારતની મહિલા અને પુરુષ બંને ક્રિકેટ ટીમો એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. ભારતીય ટીમો પાસે આ પ્રતિષ્ઠિત મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં મેડલ જીતવાની મોટી તક છે.હવે ખેલાડીઓના રહેવાના મુદ્દે BCCIએ સ્પષ્ટતા કરી દીધી છે અને ટીમ મેનેજમેન્ટનું મુખ્ય ધ્યાન મેદાન પરના પ્રદર્શન પર રહેશે.

આ પણ વાંચો - County Championship : આ બોલરે આખી ટીમને ધૂળ ચટાડી, માત્ર 69 રનમાં ઓલઆઉટ