2027માં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત પ્રવાસ માટે પોતાની A ટીમની જાહેરાત કરી છે.ઓસ્ટ્રેલિયા Aનો આ પ્રવાસ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે.ભારત અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે પહેલા 2 ચાર દિવસીય મેચ રમાશે અને ત્યારબાદ 3 વનડે મેચની સીરિઝ યોજાશે.તમામ મેચ પુડુચેરીમાં રમાવાની છે.ઓસ્ટ્રેલિયા Aની ટીમમાં અનુભવી બેટ્સમેન પીટર હેન્ડ્સકોમ્બને પણ સ્થાન મળ્યું છે.હેન્ડ્સકોમ્બ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે.ભારત સામેના આ પ્રવાસમાં સારું પ્રદર્શન કરીને તે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં ફરી સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.
બ્રેન્ડન ડોગેટ અને ઝાય રિચર્ડસનને મળી તક
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા Aની ચાર દિવસીય ટીમમાં ઝડપી બોલર બ્રેન્ડન ડોગેટ અને ઝાય રિચર્ડસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.બંને ખેલાડીઓ અગાઉની એશિઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ રહી ચૂક્યા છે.ઝાય રિચર્ડસન માટે આ પ્રવાસ ખાસ મહત્વનો રહેશે. ખભાની મોટી સર્જરી બાદ તેણે ક્રિકેટમાં વાપસી કરી છે.તાજેતરમાં તેણે 7 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે,જેમાં તેને માત્ર 6 વિકેટ મળી છે.હવે ભારત A સામે શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરશે.3 મેચની વનડે સીરિઝમાં ઓસ્ટ્રેલિયા Aના બોલિંગ આક્રમણની જવાબદારી મહલી બિયર્ડમેન અને સ્પેન્સર જોન્સન જેવા ખેલાડીઓ પર રહેશે.
ભારતીય મૂળના 2 ખેલાડીઓને સ્થાન
ઓસ્ટ્રેલિયા Aની વનડે ટીમમાં ભારતીય મૂળના 2 ખેલાડીઓ નીખિલ ચૌધરી અને તનવીર સાંઘાને સ્થાન મળ્યું છે. બંને ખેલાડીઓ માટે ભારત પ્રવાસ પોતાની પ્રતિભા સાબિત કરવાની મહત્વપૂર્ણ તક રહેશે.તનવીર સાંઘાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે 6 વનડે અને 7 T20I મેચ રમી છે. વનડેમાં તેના નામે 4 વિકેટ છે, જ્યારે T20Iમાં તેણે 10 વિકેટ ઝડપી છે.બીજી તરફ નીખિલ ચૌધરી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે 3 T20I મેચ રમ્યો છે, જેમાં તેણે 2 વિકેટ ઝડપી છે. હવે ભારતની પરિસ્થિતિમાં રમવાનો અનુભવ તેના માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
https://x.com/cricketcomau/status/2094564649933148345?s=20
યુવા ખેલાડીઓને પણ તક
ઓસ્ટ્રેલિયા Aની ટીમમાં યુવા ખેલાડીઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે.ઓલી પીક અને કૂપર કોનોલી જેવા પ્રતિભાશાળી ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.આ પ્રવાસ યુવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની પરિસ્થિતિમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની સારી તક રહેશે.
ઓસ્ટ્રેલિયા Aની ટીમ
બ્રેન્ડન ડોગેટ, જેક એડવર્ડ્સ, પીટર હેન્ડ્સકોમ્બ, સેમ હાર્પર, લિયામ હેચર, કેમ્પબેલ કેલાવે, સેમ કોન્સ્ટાસ, નાથન મેકસ્વીની, ટોડ મર્ફી, ફર્ગસ ઓ'નીલ, જોશ ફિલિપ, ઝાય રિચર્ડસન, કોરી રોચિસિઓલી, જેસન સાંઘા અને લિયામ સ્કોટ.
ઓસ્ટ્રેલિયા Aની વનડે ટીમ
મહલી બિયર્ડમેન, નીખિલ ચૌધરી, બેન દ્વારશુઇસ, જેક એડવર્ડ્સ, એરન હાર્ડી, સ્પેન્સર જોન્સન, સેમ કોન્સ્ટાસ, નાથન મેકસ્વીની, ટોડ મર્ફી, મિચ ઓવેન, જોશ ફિલિપ, તનવીર સાંઘા, લિયામ સ્કોટ અને લચલાન શૉ.
ભારત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
ઓસ્ટ્રેલિયા A અને ભારત A વચ્ચેની પ્રથમ ચાર દિવસીય મેચ 22થી 25 સપ્ટેમ્બર દરમિયાન પુડુચેરીમાં રમાશે.બીજી ચાર દિવસીય મેચ 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન યોજાશે.ત્યારબાદ 6 ઓક્ટોબરે પ્રથમ વનડે 9 ઓક્ટોબરે બીજી વનડે અને 11 ઓક્ટોબરે ત્રીજી વનડે મેચ રમાશે.ત્રણેય વનડે મેચ પણ પુડુચેરીમાં યોજાશે.આ પ્રવાસને 2027ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તૈયારીના ભાગરૂપે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા Aના ખેલાડીઓ ભારતની પરિસ્થિતિમાં કેવું પ્રદર્શન કરે છે અને તેમાંથી કોને ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયાની મુખ્ય ટીમમાં સ્થાન મળે છે,તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો - Tri Seriesમાં રોમાંચક મુકાબલો, ઝિમ્બાબ્વેએ નામીબિયાને છેલ્લી ઓવરમાં 5 રને હરાવ્યું