વિન્ડહોકમાં રમાયેલી ટ્રાઈ સિરીઝની રોમાંચક મેચમાં ઝિમ્બાબ્વેએ નામીબિયાને માત્ર 5 રને હરાવીને શાનદાર જીત નોંધાવી હતી.એક સમયે મેચ સંપૂર્ણપણે નામીબિયાના પક્ષમાં જતી જોવા મળી રહી હતી,પરંતુ છેલ્લી ઓવરમાં ઝિમ્બાબ્વેના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને મેચનું પરિણામ પોતાની તરફ ફેરવી દીધું હતું. નામીબિયાની ટીમ 196 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 20 ઓવરની છેલ્લી બોલે 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઝિમ્બાબ્વેની શરૂઆત સારી, પછી વિકેટનો ધસારો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત સારી રહી હતી. બ્રાયન બેનેટ અને બેન કરને પ્રથમ વિકેટ માટે માત્ર 36 બોલમાં 64 રનની ભાગીદારી કરી હતી. બેનેટે 21 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા.જોકે બેનેટના આઉટ થયા બાદ ઝિમ્બાબ્વેની બેટિંગ અચાનક મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. 9.4 ઓવરમાં ટીમનો સ્કોર 79 રન હતો અને ત્યાં સુધીમાં 5 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ રેયાન બર્લે જવાબદારી સંભાળી હતી.
https://x.com/ICC/status/2094447130266251492?s=20
બર્લે તાડિવાનાશે મારુમાની સાથે છઠ્ઠી વિકેટ માટે 22 રનની ભાગીદારી કરી હતી. મારુમાની આઉટ થયા બાદ બ્રેડ ઇવાન્સે બર્લને સારો સાથ આપ્યો હતો.બંનેએ સાતમી વિકેટ માટે માત્ર 48 બોલમાં 94 રનની આક્રમક ભાગીદારી કરી હતી.બર્લે 32 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 57 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ ઇવાન્સે 25 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા.આ ભાગીદારીના કારણે ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 6 વિકેટે 195 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.નામીબિયા તરફથી કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે 3 વિકેટ ઝડપી હતી.
નામીબિયાની શરૂઆત ખરાબ રહી
196 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નામીબિયાની શરૂઆત પણ સારી રહી ન હતી.માત્ર 28 રનના સ્કોર પર ટીમે 2 વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારબાદ નિકોલ લોફ્ટી-ઈટન અને જાન ફ્રિલિંકે ત્રીજી વિકેટ માટે 27 બોલમાં 32 રનની ભાગીદારી કરીને ટીમને 60 રન સુધી પહોંચાડી હતી.જોકે આ બંને ખેલાડીઓ આઉટ થયા બાદ નામીબિયાની ઇનિંગ્સ ફરી મુશ્કેલીમાં આવી ગઈ હતી.11.1 ઓવરમાં માત્ર 76 રનના સ્કોર પર ટીમની અડધીથી વધુ વિકેટ પડી ગઈ હતી.આ સમયે નામીબિયાની જીતની આશા ઘણી ઓછી લાગી રહી હતી.
વોલ્શેન્ક અને ગ્રીને મેચ પલટી
જ્યારે મેચ ઝિમ્બાબ્વેના હાથમાં દેખાઈ રહી હતી ત્યારે અલેક્ઝાન્ડર વોલ્શેન્ક અને જૈન ગ્રીને શાનદાર બેટિંગ કરીને મેચમાં રોમાંચ પાછો લાવ્યો હતો.બંનેએ સાતમી વિકેટ માટે માત્ર 49 બોલમાં 109 રનની તોફાની ભાગીદારી કરી હતી.આ ભાગીદારીના કારણે નામીબિયા જીતની ખૂબ નજીક પહોંચી ગયું હતું. જોકે અંતિમ ઓવરમાં ઝિમ્બાબ્વેના બોલરોએ દબાણ જાળવી રાખ્યું હતું.નામીબિયાની આખી ટીમ 20 ઓવરની છેલ્લી બોલે 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઝિમ્બાબ્વેએ 5 રનથી રોમાંચક જીત મેળવી હતી.ઝિમ્બાબ્વે તરફથી બ્રેડ ઇવાન્સે 41 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે બ્રાયન બેનેટને 2 વિકેટ મળી હતી. આ ટ્રાઈ સિરીઝમાં નામીબિયાએ અગાઉ દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી,પરંતુ ઝિમ્બાબ્વે સામેની મેચમાં તેને છેલ્લી ક્ષણે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો - Australiaની ODI ટીમમાં મોટા ફેરફાર, લાબુશેન બહાર,પેટ કમિન્સની વાપસી