ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે રમાનારી ઘરઆંગણાની વ્હાઇટ બોલ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્ણ થયા બાદ હવે ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડની યજમાની કરવા માટે તૈયાર છે. નવેમ્બર મહિનામાં બંને ટીમો વચ્ચે 3 વનડે અને 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. આ રીતે કુલ 8 મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં 8 નવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે.પસંદગી પામેલા કેટલાક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશવાની તૈયારીમાં છે.ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ વ્હાઇટ બોલ સિરીઝ 13 નવેમ્બરથી શરૂ થશે.ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાએ પોતાના કેટલાક યુવા ખેલાડીઓ પર વિશ્વાસ મૂક્યો છે,જ્યારે પેટ કમિન્સ,મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ જેવા અનુભવી બોલરોને આરામ આપવામાં આવ્યો છે.
8 નવા ખેલાડીઓને મળી તક
ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક આપી છે.વનડે ટીમમાં ઝડપી બોલર માહલી બિયર્ડમેન,યુવા બેટ્સમેન ઓલિવર પીક, ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સ અને લાયમ સ્કોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.આમાંથી માહલી બિયર્ડમેન અને જેક એડવર્ડ્સને T20 ટીમમાં પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત નિખિલ ચૌધરી અને જોએલ ડેવિસને પણ T20 ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ 6 ખેલાડીઓ વ્હાઇટ બોલ ક્રિકેટમાં રમી ચૂક્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની પાસે હજુ પોતાની ક્ષમતા સાબિત કરવાની તક છે.બીજી તરફ લચલાન શૉ અને સેમ હાર્પરને પણ T20 ટીમમાં સ્થાન મળ્યું છે. આ બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. જો તેમને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે તો ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત થશે.
