ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સિનિયર પુરુષ પસંદગી સમિતિના નવા અધ્યક્ષ પદને લઈને સસ્પેન્સનો અંત આવવાની તૈયારીમાં છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ખાલી પડેલી જગ્યા ભરવા માટે અનેક પૂર્વ દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે. આ હાઈ પ્રોફાઈલ રેસમાં હવે ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. જો BCCI તેમના નામ પર મહોર મારશે, તો વસીમ જાફર સીધા ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય પસંદગીકારની કમાન સંભાળશે.
અજિત અગરકરનો કાર્યકાળ પૂરો થતાં પશ્ચિમ ઝોનમાંથી પસંદગી થશે
અજિત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરે પૂરો થઈ ગયો છે, જેના કારણે પાંચ સભ્યોની પસંદગી સમિતિમાં એક મહત્વનું સ્થાન ખાલી પડ્યું છે.અગરકર વેસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી નવા સિલેક્ટર પણ આ જ ઝોનમાંથી પસંદ કરવામાં આવશે.આ પદ માટે શરૂઆતમાં પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલનું નામ ચર્ચામાં હતું, પરંતુ તેમણે અરજી કરી નહોતી.14 ઓક્ટોબરે અરજી કરવાની છેલ્લી તારીખ પૂરી થયા બાદ હવે દાવેદારોના ચોંકાવનારા નામ સપાટી પર આવ્યા છે.
વસીમ જાફર સહિત રમેશ પવાર અને આ દિગ્ગજો રેસમાં
મિડિયા રિપોર્ટ અનુસાર વસીમ જાફરે પોતે આ પદ માટે અરજી કરી હોવાની પુષ્ટિ કરી છે.જાફર ઉપરાંત મુંબઈના પૂર્વ સ્પિનર રમેશ પવાર,બરોડાના પૂર્વ બેટ્સમેન જેકબ માર્ટિન અને કોનર વિલિયમ્સે પણ દાવેદારી નોંધાવી છે. BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા આ તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ બોર્ડ આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.
https://x.com/cricinfo/status/2111298580250288539?s=20
કેવી રીતે વસીમ જાફર સીધા બની શકે છે ચીફ સિલેક્ટર?
BCCIના નિયમો અને બંધારણ પ્રમાણે પસંદગી સમિતિના પાંચ સભ્યોમાંથી જે ખેલાડી પાસે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો અનુભવ હોય છે, તેને સમિતિના અધ્યક્ષ એટલે કે મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવે છે.હાલમાં પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા વચગાળાના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે, જેમના નામે 24 ટેસ્ટ મેચનો રેકોર્ડ છે. જો વસીમ જાફરની પસંદગી સમિતિમાં એન્ટ્રી થાય છે.તો તેમની 31 ટેસ્ટ મેચનો અનુભવ તેમને આપોઆપ બાકીના સભ્યો કરતાં સિનિયર બનાવી દેશે અને તેઓ સીધા મુખ્ય પસંદગીકારનું પદ મેળવી લેશે.
જાફરનો શાનદાર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રેકોર્ડ
વસીમ જાફર પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત ઘરેલુ ક્રિકેટનો વિશાળ અનુભવ છે, જે યુવા ખેલાડીઓની પ્રતિભા પારખવામાં સૌથી મહત્વનો સાબિત થઈ શકે છે.બીજી તરફ પ્રજ્ઞાન ઓઝાને બોર્ડમાં સારું સમર્થન મળી રહ્યું છે, જેના કારણે જો રમેશ પવાર કે અન્ય કોઈની પસંદગી થાય તો ઓઝા પોતાના પદ પર યથાવત રહી શકે છે.હવે આગામી દિવસોમાં એ જોવાનું રોમાંચક રહેશે કે અજિત અગરકરના ઉત્તરાધિકારી તરીકે BCCI કયા દિગ્ગજ પર ભરોસો મૂકે છે.
આ પણ વાંચો - Shubman Gillનો મોટો દાવ! ટેસ્ટ સીરિઝ જીતવા પોતાના ખર્ચે નેટ બોલર્સની ફોજ ઉતારશે