ભારતીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની મેચો માત્ર રમતની દૃષ્ટિએ જ નહીં,પરંતુ વ્યાપારી રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઘરઆંગણે રમાતી આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો અને ટીવી પ્રેક્ષકો સુધી પહોંચવાની તક મળતી હોવાથી બ્રાન્ડ્સ માટે આ એક મહત્વનું પ્લેટફોર્મ બની ગયું છે. BCCIએ પણ આ જ વ્યાવસાયિક મહત્વને ધ્યાનમાં રાખીને નવા એસોસિયેટ પાર્ટનર્સની પસંદગી કરી છે.
કેમ્પા કોલા, SBI લાઇફ, ChatGPT એસોસિયેટ પાર્ટનર
BCCIએ કેમ્પા કોલા, SBI લાઇફ અને ChatGPTને ભારતીય ટીમની ઘરઆંગણાની દ્વિપક્ષીય મેચો માટે એસોસિયેટ પાર્ટનર તરીકે પસંદ કર્યા છે. આ કરાર માર્ચ 2028 સુધી ચાલશે અને કુલ 35 મેચોને આવરી લેશે. અગાઉનો એસોસિયેટ પાર્ટનરશિપ કરાર ઓગસ્ટ 2026માં પૂરો થયો હતો.
https://x.com/BCCI/status/2097333641810780368?s=20
વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝથી શરૂ થશે ભાગીદારી
આ નવી ભાગીદારી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી મર્યાદિત ઓવરોની શ્રેણીથી શરૂ થશે અને માર્ચ 2028 સુધી ચાલુ રહેશે.આ પહેલાં IDFC Bank BCCIના ઘરેલુ ક્રિકેટ સત્રનો ભાગીદાર હતો.નવા કરાર સાથે હવે કેમ્પા, SBI Life અને ChatGPT ભારતીય ઘરેલુ ક્રિકેટ સાથે જોડાઈ ગયા છે.BCCIના જણાવ્યા અનુસાર ભારતીય ક્રિકેટ કંપનીઓ માટે પોતાની બ્રાન્ડની પહોંચ વધારવા માટે એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે.ક્રિકેટ સાથે જોડાયેલા વિશાળ અને ઉત્સાહી ચાહક વર્ગ સુધી પહોંચવા માટે આ ભાગીદારી બ્રાન્ડ્સ માટે મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે.
દેવજીત સૈકિયાએ પણ વ્યક્ત કર્યો વિશ્વાસ
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે ઘરેલુ ક્રિકેટ સત્રની ભાગીદારીની કિંમત BCCI અને ભારતીય ક્રિકેટ ટીમ પર બ્રાન્ડ્સના વિશ્વાસને દર્શાવે છે.તેમના જણાવ્યા અનુસાર સંયુક્ત ડીલની કિંમતમાં 44%નો વધારો થયો છે અને નવી ભાગીદારીની કુલ કિંમત રૂ130 કરોડથી વધુ હોવી મોટી સિદ્ધિ છે.તેમણે વધુમાં કહ્યું કે કેમ્પા, SBI Life અને ChatGPTનું BCCI સાથે જોડાવું ઘરેલુ ક્રિકેટ સત્રમાં રહેલી વ્યાવસાયિક તકોને દર્શાવે છે.
BCCI સાથે જોડાયેલા 3 નવા ભાગીદારો કોણ છે?
- કેમ્પા:રિલાયન્સનું સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ છે.
- SBI Life:જીવન વીમા ક્ષેત્રની જાણીતી કંપની છે.
- ChatGPT:OpenAI દ્વારા વિકસાવવામાં આવેલ AI સહાયક છે, જે માનવ ભાષામાં જવાબ આપી શકે છે અને વિવિધ પ્રકારના લખાણ સહિત અન્ય સર્જનાત્મક કાર્યોમાં મદદ કરી શકે છે.
BCCIએ પસંદગીકારોની ભરતી માટે પણ જાહેરાત કરી
આ દરમિયાન BCCIએ જુનિયર ક્રિકેટ સમિતિના સભ્યોની ભરતી માટે પણ જાહેરાત બહાર પાડી છે.જુનિયર ક્રિકેટ સમિતિના સભ્યો કોચિંગ કેમ્પ અને ભારતની જુનિયર ટીમો માટે ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય ટીમો સામે રમાનારી મેચો માટે Under-22 સુધીની વયજૂથની ટીમોના ખેલાડીઓની પસંદગી કરશે.આ નિર્ણય ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભાને શોધવા અને તેમને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાની પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ માટે મોટો વ્યાવસાયિક સંકેત
BCCIને ઘરેલુ ક્રિકેટ માટે મળેલી આ નવી ભાગીદારી માત્ર આર્થિક રીતે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ ભારતીય ક્રિકેટની વધતી વ્યાવસાયિક કિંમત પણ દર્શાવે છે. 2 સીઝન માટે ₹130 કરોડથી વધુની ડીલ અને અગાઉની સરખામણીમાં 44%નો વધારો એ વાતનો સંકેત છે કે ભારતીય ક્રિકેટ સાથે જોડાવા માટે મોટા બ્રાન્ડ્સમાં રસ સતત વધી રહ્યો છે.
આ પણ વાંચો- Women Asia Cup 2026 : ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં કોની સામે ટકરાશે? જાણો A to Z વિગતો