ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા U19 ટીમના ભારત પ્રવાસ માટે જાહેર કરાયેલી ભારતીય અંડર-19 ટીમમાં મોટો ફેરફાર કર્યો છે.BCCIની જુનિયર ક્રિકેટ કમિટીએ વનડે ટીમમાંથી રોહિત યાદવને બહાર કર્યો છે.તેમની જગ્યાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આર્યન સાવસાણીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત મલ્ટી-ડે ટીમમાં હરિયાણા ક્રિકેટ એસોસિએશનના તન્મય બલોડાને સ્થાન આપવામાં આવ્યું છે.ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે,જ્યાં બંને ટીમો વચ્ચે 3 વનડે અને 2 મલ્ટી-ડે મેચ રમાવાની છે.આ સિરીઝ માટે BCCIએ અગાઉ ભારતીય ટીમની જાહેરાત કરી હતી,પરંતુ હવે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ઉંમર સંબંધિત ગેરરીતિના કારણે રોહિત યાદવ બહાર
BCCIએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે રોહિત યાદવની ઉંમર સંબંધિત ગેરરીતિ સામે આવ્યા બાદ તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.રોહિતને રાજકોટ અને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા U19 સામે રમાનારી મેચો માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા.રોહિત યાદવ અગાઉ એજ ગ્રુપ ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળની તપાસ દરમિયાન તેમની ઉંમર અંગે 27 મહિનાનો તફાવત જોવા મળ્યો હતો. તપાસમાં તેમના જન્મ વર્ષમાં 3 વખત ફેરફાર કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.રોહિત તાજેતરમાં શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતની અંડર-19 ટીમનો પણ ભાગ હતા. જોકે, હવે ઉંમર સંબંધિત મુદ્દાને કારણે તેમને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યા છે.
https://x.com/BCCI/status/2097165820384493807?s=20
આર્યન સાવસાણી અને તન્મય બલોડાને તક મળી
રોહિત યાદવની જગ્યાએ સૌરાષ્ટ્રના આર્યન સાવસાણીને ભારતની U19 વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ મલ્ટી-ડે ટીમમાં હરિયાણાના તન્મય બલોડાને સ્થાન મળ્યું છે.આ ફેરફાર બાદ ભારતીય અંડર-19 ટીમમાં નવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝ યુવા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સહેવાગ અને દ્રવિડના દીકરાઓને પણ સ્થાન
આ સિરીઝ માટે ભારતીય U19 વનડે ટીમમાં પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગ અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના દીકરાઓને પણ પસંદ કરવામાં આવ્યા છે.વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગને ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જોકે, બંને ખેલાડીઓ મલ્ટી-ડે ટીમનો ભાગ નથી.આર્યવીર આ વર્ષે દિલ્હી પ્રીમિયર લીગમાં વેસ્ટ દિલ્હી લાયન્સ તરફથી રમી ચૂક્યો છે. હવે ઓસ્ટ્રેલિયા U19 સામેની વનડે સિરીઝમાં તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.
ભારતની અપડેટેડ U19 વનડે ટીમ
લક્ષ્ય રાયચંદાની કેપ્ટન, યશવર્ધન ચૌહાણ ઉપકેપ્ટન, રજત બઘેલ, આર્યવીર સહેવાગ, V.K. વિનિત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ, વી. યશવીર, શાવિન વિનોદ, મોહિત ઉલવા, ચિગુરુપતિ વેંકટ, કાવ્યા પટેલ અને આર્યન સાવસાણી.
ભારતની અપડેટેડ મલ્ટી-ડે ટીમ
યશવર્ધન ચૌહાણ કેપ્ટન, લક્ષ્ય રાયચંદાની ઉપકેપ્ટન, સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણા, અભિપ્રાય વિશ્વાસ, ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલવા, આર્યન યાદવ અને તન્મય બલોડા.
આ પણ વંચો - Duleep Trophy Final : ઐતિહાસિક ઈનિંગ્સ બાદ ઈશાન કિશને ખોલ્યું કમબેકનું રહસ્ય