ભારતીય ક્રિકેટ ટીમમાં હવે કોઈ ખેલાડીને ફિટ જાહેર કરવાની પ્રક્રિયા વધુ કડક બનવા જઈ રહી છે. વારંવાર ફિટનેસ અને ઈજાના કારણે ખેલાડીઓ ટીમમાંથી બહાર થતા હોવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને BCCI, પસંદગી સમિતિ અને સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે કે CoEએ ફિટનેસને લઈને પોતાનું વલણ વધુ કડક કર્યું છે. હવે કોઈ ખેલાડીને આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે ઉપલબ્ધ જાહેર કરતા પહેલાં તેની ફિટનેસ અંગે સંપૂર્ણ ખાતરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
હર્ષિત રાણાનું કિસ્સો બન્યું મોટું ઉદાહરણ
ફિટનેસ અંગેના આ ફેરફાર પાછળ ઝડપી બોલર હર્ષિત રાણાનું કિસ્સો મહત્વનું ઉદાહરણ માનવામાં આવે છે.લગભગ 5 મહિના બાદ જૂનમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં તેની વાપસી થઈ હતી.જોકે ટીમમાં વાપસીના માત્ર 2 અઠવાડિયામાં જ તે ઈજાગ્રસ્ત થયો હતો અને પ્રવાસમાંથી બહાર થવું પડ્યું હતું.હર્ષિત રાણાને ઇંગ્લેન્ડ પ્રવાસ વચ્ચે જ ભારત પરત મોકલવામાં આવ્યો હતો.તેની જગ્યાએ પ્રિન્સ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આવા કિસ્સાઓને કારણે પસંદગી પહેલાં ખેલાડીની ફિટનેસની વધુ સઘન તપાસ કરવાની જરૂરિયાત અનુભવાઈ છે.
ઘણા ખેલાડીઓના સ્થાને અંતિમ સમયે ફેરફાર
હર્ષિત રાણાનું કિસ્સો એકમાત્ર નથી.અગાઉ પણ અનેક સીરિઝમાં ખેલાડીઓની ફિટનેસને કારણે છેલ્લી ઘડીએ ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે પસંદ કરવામાં આવેલા જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનની જગ્યાએ બાદમાં અનુક્રમે આકીબ નબી અને સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન નિતીશ કુમાર રેડ્ડીની જગ્યાએ અંતિમ સમયે સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન પણ વરુણ ચક્રવર્તીની જગ્યાએ રવિ બિશ્નોઈને ટીમમાં સ્થાન મળ્યું હતું.વારંવાર થતા આવા ફેરફારો બાદ હવે CoE ખેલાડીઓની ફિટનેસને લઈને વધારાની સાવચેતી રાખી રહ્યું છે.તાજેતરમાં કેટલાક ખેલાડીઓની પસંદગી ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરત સાથે કરવામાં આવી રહી છે.
ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ અંતિમ નિર્ણય
અફઘાનિસ્તાન સામેની T20I સીરિઝ માટે જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ,વોશિંગ્ટન સુંદર,નિતીશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાના નામ સાથે ફિટનેસ સંબંધિત શરત રાખવામાં આવી છે.એટલે કે ટીમમાં પસંદગી થયા બાદ પણ ખેલાડીઓની ફિટનેસ અંગે અંતિમ મંજૂરી જરૂરી રહેશે.આ નવી પ્રક્રિયાથી પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટને છેલ્લી ઘડીએ થતા ફેરફારો ટાળવામાં મદદ મળી શકે છે.સાથે જ ખેલાડીઓની ફિટનેસ અંગે વધુ સ્પષ્ટતા પણ આવી શકે છે.
ફિટનેસ રિપોર્ટમાં પારદર્શિતા પર ભાર
CoEના વડા VVS લક્ષ્મણે પણ હાલની નીતિ પર ભાર મૂક્યો છે.તેમના જણાવ્યા અનુસાર,આ પ્રક્રિયાનો હેતુ ફિટનેસ રિપોર્ટ અને ખેલાડીઓની પસંદગીમાં વધુ પારદર્શિતા લાવવાનો છે.ખેલાડીઓને પણ સ્પષ્ટ રીતે જાણ હોય છે કે તેઓ સીરિઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે કે નહીં.આ પ્રક્રિયામાં ખેલાડી અને ટીમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે.લક્ષ્મણના મતે BCCI દ્વારા કરવામાં આવેલા આ ફેરફારથી ફિટનેસ રિપોર્ટ અને પસંદગી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવી છે.આ નવી કડક પ્રક્રિયા બાદ ભારતીય ટીમમાં ઈજાના કારણે છેલ્લી ઘડીએ થતા ફેરફારોમાં ઘટાડો થાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો - Sher-E-Punjab T20 League 2026 : ટીમ ઇન્ડિયામાંથી બહાર થતાં જ પ્રભસિમરનનો કહેર, માત્ર 47 બોલમાં ફટકારી સદી