ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક વનડેમાં શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. હોબાર્ટમાં રમાયેલી આ મેચમાં ડકેટે એક છેડો સંભાળીને ઓસ્ટ્રેલિયાના બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો. તેણે 94 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.આ તેની વનડે કારકિર્દીની 7મી સદી છે.ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ડકેટે પ્રથમ વખત વનડેમાં સદી ફટકારી છે.તેની આ ઇનિંગના કારણે ઇંગ્લેન્ડનો સ્કોર મજબૂત બન્યો હતો અને નિર્ણાયક મુકાબલામાં ટીમની આશા જીવંત રહી હતી.
115 બોલમાં 133 રનની તોફાની ઇનિંગ
હોબાર્ટમાં રમાયેલી ત્રીજી વનડેમાં બેન ડકેટે 115 બોલમાં 133 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.ઓસ્ટ્રેલિયા સામે ડકેટની આ ત્રીજી વનડે સદી છે.અત્યાર સુધી તેણે વનડે કારકિર્દીમાં કુલ 7 સદી ફટકારી છે,જેમાંથી સૌથી વધુ 3 સદી ઓસ્ટ્રેલિયા સામે આવી છે.ડકેટ માટે આ સદી અનેક રીતે ખાસ રહી છે.તેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ સદી ફટકારવાની સાથે નિર્ણાયક મેચમાં ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
https://x.com/ICC/status/2122929946771464331?a=-jJjp_ajxJCRRlQ2b6o&s=20
3 દેશ અને 3 સદી, ઓસ્ટ્રેલિયા સામે ડકેટનો કમાલ
બેન ડકેટની ઓસ્ટ્રેલિયા સામેની ત્રણેય સદી અલગ-અલગ દેશોમાં આવી છે. તેણે ત્રણ અલગ મેદાનો પર સદી ફટકારીને ખાસ સિદ્ધિ મેળવી છે.
- બ્રિસ્ટલ, ઇંગ્લેન્ડ: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે સદી.
- લાહોર, પાકિસ્તાન: ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડે સદી.
- હોબાર્ટ, ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ વનડે સદી.
સદી ઉપરાંત બે મહત્વની ભાગીદારી પણ કરી
બેન ડકેટની ઇનિંગની ખાસિયત માત્ર તેની સદી નહોતી. તેણે વિકેટો પડતી રહી ત્યારે એક છેડો સંભાળીને બે મહત્વની ભાગીદારી પણ કરી હતી.ડકેટે પ્રથમ વિકેટ માટે ટોમ બેન્ટન સાથે 52 બોલમાં 74 રન જોડ્યા હતા. ત્યારબાદ છઠ્ઠી વિકેટ માટે વિલ જેક્સ સાથે 42 બોલમાં 56 રનની ભાગીદારી કરી હતી.ઇંગ્લેન્ડની વિકેટો નિયમિત અંતરે પડતી રહી હતી, પરંતુ ડકેટ ક્રીઝ પર અડગ રહ્યો હતો. તેણે પરિસ્થિતિને સમજીને બેટિંગ કરી અને ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો.જો ડકેટે આ સદી ફટકારી ન હોત તો હોબાર્ટમાં ઇંગ્લેન્ડની સ્થિતિ વધુ મુશ્કેલ બની શકી હોત. તેની શાનદાર ઇનિંગના કારણે ઇંગ્લેન્ડ નિર્ણાયક મુકાબલામાં મજબૂત સ્થિતિમાં પહોંચ્યું હતું. હવે આ મેચના પરિણામ પર બંને ટીમના ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચો- Viral Video : 11.6 કરોડ વ્યૂઝ, 1.2 કરોડ લાઇક્સ! ધોનીના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ