ક્રિકેટ જગતમાં હાલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર અને અનુભવી ફાસ્ટ બોલર મેગન શૂટ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) દ્વારા બે મેચનો પ્રતિબંધ ફટકારવામાં આવ્યો છે. આ મોટા સમાચાર સામે આવતા જ ક્રિકેટ વર્તુળોમાં હડકંપ મચી ગયો છે.

શું છે આખો મામલો? 

પ્રાપ્ત માહિતી અનુસાર, મેગન શૂટ પર આ પ્રતિબંધ કોઈ ડ્રગ્સ લેવા કે મેચ ફિક્સિંગ જેવા ગંભીર કારણોસર નહીં, પરંતુ પ્રિસ્ક્રિપ્શન દવાઓના ઉપયોગ સંબંધિત સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ ગાઈડલાઈન્સનું પાલન ન કરવાના કારણે લાગ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ઘટના મેચની બહારના સમયગાળા દરમિયાન બની હતી અને તેનો ટીમનું પ્રદર્શન વધારવા કે ડોપિંગ સાથે કોઈ સંબંધ નથી. છતાં પણ નિયમોના ભંગ બદલ આ સખત પગલું ભરવામાં આવ્યું છે.

કઈ-કઈ મેચો ગુમાવવી પડી? 

આ પ્રતિબંધના કારણે મેગન શૂટને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. તે ન્યૂઝીલેન્ડ સામેની વિમેન્સ T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમી શકી નથી, જે સિડનીના નોર્થ સિડની ઓવલ ખાતે રમાઈ હતી. આ સિવાય તે મહિલા બિગ બેશ લીગ (WBBL) માં એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી રમતી વખતે મેલબોર્ન સ્ટાર્સ સામેની આગામી શરુઆતની મેચ પણ નહીં રમી શકે.

ખેલાડીએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી 

આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ 33 વર્ષીય મેગન શૂટે ખુદ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને ફેન્સ તથા ક્રિકેટ બોર્ડ પાસે માફી માગી છે. તેણે જણાવ્યું કે ખેલાડીઓ તરીકે સ્પોર્ટ્સ મેડિસિન અને સાયન્સના નિયમોનું પાલન કરવું એ દરેકની પાયાની જવાબદારી હોય છે. ભલે આ ઘટના મેદાનની બહાર બની હોય અને તેનો પ્રદર્શન સાથે સંબંધ ન હોય, પરંતુ નિયમોના પાલનમાં થયેલી ચૂક બદલ તેને મોટો ખેદ છે.

મેગન શૂટનું શાનદાર કરિયર 

ઓસ્ટ્રેલિયાની આ ઘાતક ફાસ્ટ બોલરે અત્યાર સુધી પોતાના શાનદાર પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં મોટું નામ બનાવ્યું છે. મેગન શૂટે ઓસ્ટ્રેલિયા માટે 4 ટેસ્ટ મેચ, 114 વનડે અને 126 T20 ઇન્ટરનેશનલ મેચો રમી છે. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ મળીને 319 થી વધુ વિકેટો નોંધાયેલી છે. મહિલા ક્રિકેટની સૌથી સફળ બોલરોમાં તેની ગણતરી થાય છે, અને આવા અનુભવી ખેલાડી પર પ્રતિબંધ લાગવો એ ઓસ્ટ્રેલિયન ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે તેઓ ખેલાડીને જરૂરી સહયોગ આપતા રહેશે, પરંતુ શિસ્તના મામલે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપશે નહીં.

આ પણ વાંચો: IND vs NZ: ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર! હવે TikTok પર પણ જોવા મળશે લાઈવ મેચ