ICCએ T20Iની નવી રેન્કિંગ જાહેર કરી છે અને બોલિંગ લિસ્ટમાં મોટો ફેરફાર થયો છે. પાકિસ્તાનના સ્પિનર અબરાર અહમદ હવે T20Iમાં દુનિયાનો નંબર-1 બોલર બની ગયો છે. તેણે અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનને પાછળ છોડી ટોચનું સ્થાન મેળવ્યું છે. અબરારના આ ઉછાળા બાદ રાશિદ ખાન બીજા સ્થાને આવી ગયો છે. ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ ત્રીજા અને ઓસ્ટ્રેલિયાનો એડમ ઝમ્પા ચોથા સ્થાને છે. નવી રેન્કિંગમાં સૌથી મોટો ફટકો ભારતીય સ્પિનર વરૂણ ચક્રવર્તીને પડ્યો છે. અગાઉ ટોપ-5માં રહેલો વરૂણ ચક્રવર્તી હવે 7મા સ્થાને આવી ગયો છે.

વરૂણ ચક્રવર્તીને 2 સ્થાનનું નુકસાન

16 સપ્ટેમ્બરની રેન્કિંગમાં વરૂણ ચક્રવર્તી 678 રેટિંગ પોઈન્ટ સાથે 5મા સ્થાને હતો. તે સમયે તે ભારતીય બોલરોમાં સૌથી આગળ હતો. હવે નવી રેન્કિંગમાં તેને 2 સ્થાનનું નુકસાન થયું છે અને તે 7મા સ્થાને પહોંચી ગયો છે. વરૂણ ચક્રવર્તી ઉપરાંત ભારતના જસપ્રીત બુમરાહ પણ ટોપ-10માં છે. બુમરાહ 10મા સ્થાને છે. અર્શદીપ સિંહ 14મા સ્થાને છે. એટલે હાલની ટોપ-10 T20I બોલિંગ રેન્કિંગમાં ભારતના 2 બોલર વરૂણ ચક્રવર્તી અને બુમરાહ સામેલ છે.


icc ranking

અબરાર માટે મોટો રેન્કિંગ જમ્પ

પાકિસ્તાનના 27 વર્ષીય સ્પિનર અબરાર અહમદ છેલ્લા કેટલાક સમયથી T20Iમાં સતત ઉપર જઈ રહ્યો છે. જુલાઈ 2026માં તે 736 રેટિંગ સાથે બીજા સ્થાને પહોંચ્યો હતો અને તેણે ત્યારે વરૂણ ચક્રવર્તીને પાછળ છોડી દીધો હતો. હવે તેણે રાશિદ ખાનને પણ પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવી લીધું છે. 

T20I બેટિંગમાં ઈશાન નંબર-1

બોલિંગની સાથે બેટિંગ રેન્કિંગમાં પણ ભારતીય ખેલાડીઓનું સ્થાન મહત્વનું છે. ઈશાન કિશન 913 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1 T20I બેટર છે, જ્યારે અભિષેક શર્મા 862 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાનનો સાહિબઝાદા ફરહાન ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પણ મોટી છલાંગ લગાવી છે. શ્રીલંકા સામેની સિરીઝમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તે 5 સ્થાન ઉપર જઈને ચોથા સ્થાને પહોંચ્યો છે. તેણે સિરીઝમાં કુલ 170 રન બનાવ્યા હતા અને પ્રથમ મેચમાં 114 રનની અણનમ ઈનિંગ રમી હતી.

નવી રેન્કિંગમાં અબરારના નંબર-1 બનવાથી પાકિસ્તાનને મોટો ફાયદો થયો છે, જ્યારે ભારત માટે વરૂણ ચક્રવર્તીનું ટોપ-5માંથી બહાર થવું મુખ્ય ફેરફાર છે.

આ પણ વાંચો: Asian Games 2026 Medal Tally : મેડલ ટેલીમાં ચીન ટોચ પર, જાણો ભારત કયાં સ્થાને