ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે સિરીઝનો પ્રારંભ 4 નવેમ્બરે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે થશે. ભારતીય ટીમે તાજેતરમાં રમાયેલી T20I સિરીઝ 3-2થી જીતી હતી. જોકે, વનડે ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડની ટીમને હળવાશથી લેવી ભારત માટે મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને કીવી ટીમના ત્રણ ખેલાડીઓ એવા છે, જે પોતાની રમતથી મેચનું પાસું પલટી શકે છે. જાન્યુઆરી 2026માં ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર રમાયેલી 3 મેચની વનડે સિરીઝ 2-1થી જીતી હતી. આ ન્યૂઝીલેન્ડની ભારત સામે ભારતીય ધરતી પર પ્રથમ વનડે સિરીઝ જીત હતી. હવે ઘરઆંગણે રમતી વખતે કીવી ટીમ ફરી એકવાર ભારતીય ટીમને પડકાર આપવા ઉતરશે.
1. ડેરીલ મિચેલ: ભારત સામે શાનદાર રેકોર્ડ

ભારત સામે વનડે ક્રિકેટમાં ડેરીલ મિચેલનો રેકોર્ડ ઘણો પ્રભાવશાળી રહ્યો છે. તેણે ભારત સામે 16 મેચમાં 938 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 72.15 અને સ્ટ્રાઇક રેટ 108.81 રહ્યો છે. જાન્યુઆરી 2026માં ભારત સામે રમાયેલી વનડે સિરીઝમાં પણ મિચેલે શાનદાર બેટિંગ કરી હતી. તે 3 મેચમાં 352 રન સાથે સિરીઝનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો. તાજેતરમાં રમાયેલી T20I સિરીઝમાં પણ તેણે આશરે 175ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. આથી પ્રથમ વનડેમાં ભારતીય બોલરો માટે મિચેલને વહેલો આઉટ કરવો ખૂબ જરૂરી રહેશે.
2. મેટ હેનરી: નવી બોલથી ભારતીય ટોપ ઓર્ડર માટે પડકાર

ન્યૂઝીલેન્ડનો અનુભવી ફાસ્ટ બોલર મેટ હેનરી પણ ભારત માટે મોટો પડકાર બની શકે છે. 34 વર્ષીય આ જમણા હાથનો ફાસ્ટ બોલર નવી બોલથી બંને તરફ સ્વિંગ કરાવવામાં માહેર છે. તેની લાઇન અને લેન્થ પણ બેટરોને મુશ્કેલીમાં મૂકી શકે છે. ભારતના રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી જેવા બેટરો સામે પાવરપ્લેમાં હેનરીની બોલિંગ મહત્વની બની શકે છે. ખાસ કરીને ઈડન પાર્કની પરિસ્થિતિમાં નવી બોલથી મળતી મદદનો તે ફાયદો ઉઠાવી શકે છે. જોકે, પ્રવાસ દરમિયાન ઈજા સંબંધિત સમસ્યાને કારણે તે T20I સિરીઝમાં સતત ઉપલબ્ધ રહ્યો નહોતો. તેથી પ્રથમ વનડે પહેલાં તેની સંપૂર્ણ મેચ ફિટનેસ અને લય પર પણ નજર રહેશે.
3. જેકબ ડફી: ઈડન પાર્કમાં જ બતાવી ચૂક્યો છે તાકાત

જેકબ ડફી આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે ભારત સામેની ચોથી T20I મેચમાં ઈડન પાર્ક ખાતે જ શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ડફીએ અત્યાર સુધી 24 વનડે મેચમાં 40 વિકેટ લીધી છે. તેની બોલિંગ સરેરાશ 25.30 અને સ્ટ્રાઇક રેટ 25.90 રહ્યો છે. જાન્યુઆરી 2026માં ભારત સામે રમાયેલી વનડે સિરીઝમાં પણ તે ન્યૂઝીલેન્ડનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 3 મેચમાં કુલ 6 વિકેટ ઝડપી હતી. ડફી નવી બોલથી પાવરપ્લેમાં વિકેટ અપાવી શકે છે. તેની પાસે ઉછાળવાળી બોલિંગ કરવાની ક્ષમતા પણ છે, જે ભારતીય ટોપ ઓર્ડર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ભારત માટે શરૂઆતની ઓવરો રહેશે મહત્વની
પ્રથમ વનડેમાં ભારતીય બેટરો સામે મેટ હેનરી અને જેકબ ડફીની નવી બોલની જોડી મોટો પડકાર બની શકે છે. બીજી તરફ ડેરીલ મિચેલ મધ્યક્રમમાં લાંબી ઇનિંગ રમીને ન્યૂઝીલેન્ડને મજબૂત સ્થિતિમાં પહોંચાડી શકે છે. આ ત્રણેય ખેલાડીઓ પર ભારતીય ટીમે ખાસ નજર રાખવી પડશે.
આ પણ વાંચો: Virat kohli પાસે ઇતિહાસ રચવાની તક, શું ન્યૂઝીલેન્ડમાં તૂટશે સચિનના 9 રેકોર્ડ?