વિરાટ કોહલી જ્યારે પણ મેદાન પર ઉતરે છે ત્યારે કોઈને કોઈ નવો રેકોર્ડ બનવાની આશા રહે છે. હવે ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની વનડે સિરીઝમાં પણ વિરાટ પાસે ઇતિહાસ રચવાની મોટી તક છે. આ સિરીઝમાં તે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના એક-બે નહીં, પરંતુ 9 રેકોર્ડ તોડી શકે છે. કેટલાક રેકોર્ડમાં વિરાટ સચિનની બરાબરી પર છે, જ્યારે કેટલાકમાં તે થોડા રન પાછળ છે.
એશિયાની બહાર સૌથી વધુ સદી
એશિયાની બહાર સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન અને વિરાટ બંને 29-29 સદી સાથે બરાબરી પર છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વિરાટ એક સદી ફટકારશે તો તે સચિનને પાછળ છોડી દેશે.
લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સદી
લિસ્ટ A ક્રિકેટમાં સદીના મામલે પણ બંને દિગ્ગજ બરાબરી પર છે. સચિન અને વિરાટના નામે 60-60 સદી નોંધાયેલી છે. વધુ એક સદી વિરાટને આ યાદીમાં નંબર-1 બનાવી શકે છે.
SENA દેશોમાં સૌથી વધુ 50થી વધુ રન
દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એટલે કે SENA દેશોમાં સૌથી વધુ 50થી વધુ રન બનાવવાના મામલે સચિનના નામે 133 સ્કોર છે. વિરાટ આ આંકડાથી પાછળ છે. વધુ એક 50થી વધુ રનનો સ્કોર તેને સચિનથી આગળ લઈ જઈ શકે છે.
વનડેમાં જીત દરમિયાન સૌથી વધુ રન
વનડેમાં ટીમની જીત દરમિયાન સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. તેમણે 11,157 રન બનાવ્યા છે. વિરાટના નામે 10,864 રન છે. એટલે કે વધુ 294 રન બનાવતાં વિરાટ આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન
ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સચિન પાસે છે. તેમણે 3,345 રન બનાવ્યા છે, જ્યારે વિરાટના નામે 3,167 રન છે. વિરાટને આ રેકોર્ડ તોડવા માટે વધુ 179 રનની જરૂર છે.
વનડેમાં લક્ષ્યાંકનો પીછો કરતી વખતે સૌથી વધુ રન
વનડેમાં લક્ષ્યાંકનો પીછો કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. તેમણે 8,720 રન બનાવ્યા છે. વિરાટના નામે 8,667 રન છે. વધુ 54 રન બનાવતાં વિરાટ આ રેકોર્ડ પણ તોડી શકે છે.
ન્યૂઝીલેન્ડમાં સૌથી વધુ વનડે રન
ન્યૂઝીલેન્ડની ધરતી પર સૌથી વધુ વનડે રન બનાવનાર ભારતીય સચિન તેંડુલકર છે. તેમણે ત્યાં 821 રન બનાવ્યા છે. વિરાટના નામે 596 રન છે. આ રેકોર્ડ તોડવા માટે વિરાટને સિરીઝમાં વધુ 227 રન બનાવવા પડશે.
35 વર્ષની ઉંમર પછી સૌથી વધુ વનડે સદી
35 વર્ષની ઉંમર પછી ભારત માટે સૌથી વધુ વનડે સદી ફટકારવાનો રેકોર્ડ પણ સચિનના નામે છે. તેમણે આ ઉંમર પછી 7 સદી ફટકારી હતી. વિરાટ પણ 35 વર્ષની ઉંમર પછી 7 સદી ફટકારી ચૂક્યો છે. વધુ એક સદી તેને સચિનથી આગળ લઈ જશે.
ન્યૂઝીલેન્ડ સામે જીતેલી વનડેમાં સૌથી વધુ સદી
ન્યૂઝીલેન્ડ સામે જીતેલી વનડે મેચોમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ સચિન અને વિરાટ 6-6 સદી સાથે બરાબરી પર છે. વધુ એક સદી ફટકારતાં વિરાટ આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવી શકે છે.
આ પણ વાંચો - IND vs NZ 1st odi : વિરાટ-રોહિતનું નામ સાંભળતા જ સેન્ટનરને યાદ આવી આ વાત!