ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વનડે સીરિઝ પહેલાં કિવી ટીમના કેપ્ટન મિચેલ સેન્ટનરે મોટું નિવેદન આપ્યું છે. સેન્ટનરે સ્વીકાર્યું છે કે ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની હાજરી ન્યૂઝીલેન્ડ માટે મોટો પડકાર બની શકે છે.બંને દિગ્ગજ ખેલાડીઓની વાપસીથી મેદાનમાં મોટી સંખ્યામાં ભારતીય ચાહકો ઉમટશે તેવી પણ તેને આશા છે. સેન્ટનરના મતે વિરાટ અને રોહિત હજુ પણ શાનદાર ક્રિકેટ રમી રહ્યા છે અને તેમની સામે બોલિંગ કરવી આસાન નહીં હોય.

વિરાટ-રોહિતની હાજરીથી મેદાનમાં ઉમટશે ચાહકો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણી પહેલાં મિચેલ સેન્ટનરે મીડિયા સાથે વાતચીત કરી હતી.આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતીય ચાહકોના ભારે સમર્થનને કારણે ન્યૂઝીલેન્ડમાં પણ ભારતને ઘરઆંગણે રમવા જેવો માહોલ મળે છે?આ સવાલના જવાબમાં સેન્ટનરે કહ્યું કે આવું થોડું જોવા મળે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મોટા ખેલાડીઓ મેદાનમાં હોય ત્યારે મોટી સંખ્યામાં ચાહકો મેચ જોવા આવે છે.T20 શ્રેણી દરમિયાન પણ આવો માહોલ જોવા મળ્યો હતો.હવે વનડે શ્રેણીમાં પણ બંને ખેલાડીઓની હાજરીને કારણે મોટી સંખ્યામાં દર્શકો આવવાની અપેક્ષા છે.

વિરાટ અને રોહિત શાનદાર ફોર્મમાં

વિરાટ કોહલી અને રોહિત શર્મા તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરીને આવ્યા છે.રોહિત શર્માએ 3 ઇનિંગ્સમાં 75ની સરેરાશથી કુલ 225 રન બનાવ્યા હતા.આ દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 1 અડધી સદી જોવા મળી હતી.બીજી તરફ વિરાટ કોહલીએ 3 ઇનિંગ્સમાં 168 રન બનાવ્યા હતા.પ્રથમ વનડેમાં વિરાટે માત્ર 88 બોલમાં અણનમ 139 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.બંને ખેલાડીઓના આ પ્રદર્શનથી સાબિત થાય છે કે તેઓ હજુ પણ ભારતીય બેટિંગની મજબૂત કડી છે.

ઉંમર વધી રહી છે,પરંતુ પ્રદર્શન હજુ શાનદાર

વિરાટ કોહલી અને રોહિત શર્માની ઉંમર અંગે પૂછવામાં આવેલા સવાલ પર પણ સેન્ટનરે પોતાનો મત રજૂ કર્યો હતો.તેણે કહ્યું કે બંને ખેલાડીઓની ઉંમર વધી રહી છે, પરંતુ તેઓ હજુ પણ ખૂબ સારું ક્રિકેટ રમી રહ્યા છે.સેન્ટનરે બંને ખેલાડીઓને લાંબા સમયથી રમતા જોયા છે અને તેમની ક્ષમતાથી તે સારી રીતે પરિચિત છે. આ જ કારણ છે કે ન્યૂઝીલેન્ડની ટીમ માટે આ બંને બેટ્સમેનોને રોકવા મોટો પડકાર રહેશે.

ભારતના ટોપ ઓર્ડરને રોકવો ન્યૂઝીલેન્ડ માટે પડકાર

સેન્ટનરના મતે ભારતના ટોપ ઓર્ડરમાં માત્ર વિરાટ અને રોહિત જ નહીં,પરંતુ શુભમન ગિલ પણ મહત્વનો ખેલાડી છે.રોહિતની આક્રમક બેટિંગ,વિરાટની ઇનિંગ્સને સંભાળવાની ક્ષમતા અને ગિલનું પ્રદર્શન ન્યૂઝીલેન્ડ માટે પડકાર બની શકે છે.સેન્ટનરે કહ્યું કે તેની ટીમે સતત સારી બોલિંગ કરવી પડશે અને ભારતીય બેટ્સમેનો પર દબાણ બનાવવું પડશે.માત્ર એક જ રણનીતિના આધારે ભારતના ટોપ ઓર્ડરને રોકવો મુશ્કેલ બની શકે છે.

2027 વર્લ્ડ કપ પહેલાં મહત્વની સીરિઝ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે સીરિઝ 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે.વિરાટ અને રોહિત જેવા અનુભવી ખેલાડીઓની હાજરી ભારતીય ટીમને મજબૂતી આપશે. હવે જોવાનું રહેશે કે ન્યૂઝીલેન્ડના બોલરો આ બંને દિગ્ગજ ખેલાડીઓ સામે કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો - BCCIના શેડ્યૂલ પર આ શું બોલી ગયો શુભમન ગિલ? કહી દીધી મોટી વાત!