ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આગામી સીરિઝના કાર્યક્રમ અંગે મોટું નિવેદન આપ્યું છે.4 નવેમ્બરથી શરૂ થનારી 5 મેચની વનડે શ્રેણી પહેલાં ગિલે કહ્યું કે જો સીરિઝનો કાર્યક્રમ અલગ રીતે ગોઠવાયો હોત તો ભારતીય ટીમ વનડેમાં પોતાના તમામ ફિટ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકી હોત.તેના મતે પહેલાં વનડે સીરિઝ ત્યારબાદ T20 સીરિઝ અને સૌથી છેલ્લે ટેસ્ટ સીરિઝ યોજાઈ હોત તો વધુ સારું રહેત.ગિલના આ નિવેદન બાદ ભારત અને ન્યૂઝીલેન્ડના ક્રિકેટ કાર્યક્રમને લઈને ચર્ચા શરૂ થઈ છે.ખાસ કરીને આગામી વર્ષે યોજાનારા ICCના બે મોટા ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે ખેલાડીઓનું આયોજન મહત્વનું બન્યું છે.
ગિલને વનડે સીરિઝનો કાર્યક્રમ કેમ અનુકૂળ નથી?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણી 4 નવેમ્બરથી શરૂ થશે. આ શ્રેણી પહેલાં મીડિયા સાથે વાતચીત દરમિયાન શુભમન ગિલે કહ્યું કે વનડે અને ટેસ્ટ બંને ફોર્મેટ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે.ગિલના જણાવ્યા પ્રમાણે જો તેના હાથમાં સીરિઝનો કાર્યક્રમ નક્કી કરવાની જવાબદારી હોત તો તે પહેલાં વનડે શ્રેણી યોજવાનું પસંદ કરત. ત્યારબાદ T20 શ્રેણી અને અંતે ટેસ્ટ શ્રેણી રાખવામાં આવી હોત.તેનું કારણ એ છે કે વનડે શ્રેણી પછી તરત જ ટેસ્ટ શ્રેણી શરૂ થવાની હોવાથી ટેસ્ટ ટીમનો ભાગ રહેલા કેટલાક ખેલાડીઓ છેલ્લી વનડે મેચોમાં ઉપલબ્ધ રહી શકશે નહીં. આ કારણે ભારતીય ટીમને વનડે શ્રેણીમાં ખેલાડીઓનું સંયોજન બદલવું પડી શકે છે.
આગામી વર્ષે યોજાશે ICCની બે મોટી ટુર્નામેન્ટ
આગામી વર્ષ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્વનું છે. વર્ષ 2027માં જૂન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ યોજાવાની છે.જ્યારે ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન વનડે વર્લ્ડ કપ રમાશે.આ બંને ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ અત્યારે ટેસ્ટ અને વનડે ફોર્મેટ પર ખાસ ધ્યાન આપી રહી છે. ગિલે પણ સ્પષ્ટ કર્યું છે કે ટીમ માટે બંને શ્રેણીઓ મહત્વની છે અને ખેલાડીઓની ઉપલબ્ધતા જાળવવી જરૂરી છે.
વનડે સીરિઝની છેલ્લી 2 મેચમાં ગિલ નહીં રમે
આ સીરિઝમાં શુભમન ગિલ પ્રથમ 3 વનડેમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે.જોકે છેલ્લી 2 વનડેમાં તે રમશે નહીં.ટેસ્ટ સીરિઝની તૈયારીને ધ્યાનમાં રાખીને ગિલ સહિત ટેસ્ટ ટીમનો ભાગ રહેલા કેટલાક ખેલાડીઓને છેલ્લી 2 વનડેમાંથી આરામ આપવામાં આવશે.આ બંને મેચમાં ભારતીય ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં રહેશે.BCCI દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 વનડે મેચ 4થી 15 નવેમ્બર દરમિયાન રમાશે. ત્યારબાદ 19 નવેમ્બરથી 2 ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અંગે ગિલે શું કહ્યું?
શુભમન ગિલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ અંગે પણ વાત કરી હતી. તેના મતે ભારત માટે ન્યૂઝીલેન્ડ સામેની આગામી 2 ટેસ્ટ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.ગિલે જણાવ્યું હતું કે જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે સારું પ્રદર્શન કરે અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ સીરિઝમાં પણ સારા પરિણામ મેળવે તો ફાઇનલમાં પહોંચવાની આશા મજબૂત બની શકે છે.ICCના વર્તમાન 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની ફાઇનલ 9થી 13 જૂન 2027 દરમિયાન લંડનના ધ ઓવલ મેદાનમાં રમાવાની છે.ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતે પોઈન્ટ ટેબલમાં ટોચની 2 ટીમોમાં સ્થાન મેળવવું પડશે.
આ પણ વાંચો - Hardik Pandyaની વાપસી પર સસ્પેન્સ, કેપ્ટન શુભમન ગિલે આપી મોટી અપડેટ