ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ટીમ ઈન્ડિયામાં વાપસીની રાહ જોઈ રહેલા ચાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.હાર્દિક લાંબા સમયથી ઈજાને કારણે ભારતીય ટીમની બહાર છે. હવે તેની વાપસીને લઈને કેપ્ટન શુભમન ગિલે મોટું નિવેદન આપ્યું છે. ગિલે સ્પષ્ટ કર્યું છે કે ટીમને હાર્દિકની જરૂર છે અને આગામી વનડે શ્રેણીમાં તેની ખોટ વર્તાશે.જોકે,સંપૂર્ણ ફિટ થયા બાદ પણ હાર્દિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરતાં પહેલાં ઘરેલુ ક્રિકેટમાં રમવું પડી શકે છે.
શુભમન ગિલે હાર્દિક પંડ્યાના કર્યા વખાણ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી શરૂ થનારી વનડે શ્રેણી પહેલાં કેપ્ટન શુભમન ગિલે મીડિયા સાથે વાતચીત કરી હતી.આ દરમિયાન હાર્દિક પંડ્યાની વાપસી અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો.ગિલે હાર્દિકને શાનદાર ઓલરાઉન્ડર ગણાવ્યો હતો.તેણે કહ્યું કે આગામી વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપ પહેલાં ટીમ હાર્દિકની વાપસીની રાહ જોઈ રહી છે.ગિલના જણાવ્યા પ્રમાણે તેની હાર્દિક સાથે ઘણી વખત વાત થઈ છે અને આશા છે કે તે થોડો સમય ઘરેલુ ક્રિકેટ રમશે.ત્યારબાદ ભારતીય ટીમમાં વાપસી કરી શકશે.
https://x.com/CricketCentrl/status/2117467238970360143?a=EazmKjfWS5u8G8tiWCQ&s=20
સૈયદ મુશ્તાક અલી કે વિજય હજારે ટ્રોફીમાં રમવું પડી શકે
હાર્દિક પંડ્યા ટેસ્ટ ક્રિકેટ રમતો નથી, પરંતુ વનડે અને T20 ફોર્મેટમાં તેનું યોગદાન ભારતીય ટીમ માટે ઘણું મહત્વનું છે.તે મધ્યમ ક્રમમાં આક્રમક બેટિંગ કરવાની સાથે ઝડપી બોલિંગ પણ કરી શકે છે.મીડિયા રિપોર્ટ અનુસાર હાર્દિકને સંપૂર્ણ ફિટ થયા બાદ ઘરેલુ ક્રિકેટમાં રમવું પડી શકે છે.તેના માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અથવા વિજય હજારે ટ્રોફી જેવા વિકલ્પો હોઈ શકે છે.જોકે હાર્દિક કઈ ટુર્નામેન્ટમાં રમશે તે અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.
માર્ચ 2026 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર
હાર્દિક પંડ્યા છેલ્લે માર્ચ 2026માં ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો.ત્યારબાદ ઈજાને કારણે તે ભારતીય ટીમથી દૂર છે.જોકે, IPLમાં તે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળ્યો હતો.હાર્દિકે છેલ્લી વનડે મેચ માર્ચ 2025માં રમી હતી.હવે તેની નજર સંપૂર્ણ ફિટનેસ મેળવીને ફરી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા પર રહેશે.
2027 વર્લ્ડ કપ પહેલાં હાર્દિકની વાપસી મહત્વની
ભારતીય ટીમ માટે 2027નો વનડે વર્લ્ડ કપ ખૂબ જ મહત્વનો છે. આ ટુર્નામેન્ટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા નિર્ણાયક બની શકે છે. હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકતો હોવાથી ટીમ માટે મહત્વનો ખેલાડી છે.હવે જોવાનું એ રહેશે કે હાર્દિક ક્યારે સંપૂર્ણ ફિટ થાય છે અને ઘરેલુ ક્રિકેટમાં ક્યારે મેદાન પર ઉતરે છે. ત્યારબાદ જ ટીમ ઈન્ડિયામાં તેની વાપસી અંગે ચિત્ર સ્પષ્ટ થશે.
આ પણ વાંચો- Hardik Pandya Trade Update : મુંબઈ-પંજાબ વચ્ચે ખેલાશે ટ્રેડનો મોટો ખેલ? હાર્દિક અને અર્શદીપને લઈને ચર્ચા તેજ