ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. મોર્કેલનું માનવું છે કે નીતિશમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. ટીમ મેનેજમેન્ટે તેને સ્પષ્ટ ભૂમિકા આપીને સતત તક આપવી જોઈએ, જેથી તે ધીમે-ધીમે ભારતના મહત્વના ઓલરાઉન્ડર તરીકે તૈયાર થઈ શકે. મોર્કેલે ખાસ કરીને નીતિશને ભારતના ઓલરાઉન્ડર સ્થાન માટે સ્પર્ધા કરવાની તક આપવાની વાત કરી છે. આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે ભારત આગામી 2027 વનડે વર્લ્ડ કપ માટે ટીમનું કોમ્બિનેશન તૈયાર કરી રહ્યું છે.

'નીતિશમાં તમામ ટેલેન્ટ છે'

મોર્કેલે કહ્યું કે નીતિશ પાસે આગળ વધવા માટે જરૂરી તમામ પ્રતિભા અને ક્ષમતા છે. જોકે, તેને દરેક મેચમાં કંઈક અલગ કરવાની ઉતાવળ કરતાં પોતાની ભૂમિકા સરળ રાખીને મૂળભૂત બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. મોર્કેલના જણાવ્યા પ્રમાણે નીતિશ ઘણી વખત ટીમ માટે તક બનાવવાનો પ્રયાસ કરે છે, જે તેની સકારાત્મક બાબત છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવા માટે ક્યારે આક્રમક થવું અને ક્યારે સરળ ક્રિકેટ રમવું તે સમજવું પણ જરૂરી છે.

બોલિંગમાં પણ કરી રહ્યો છે સુધારો

તાજેતરના સમયમાં નીતિશની બોલિંગમાં પણ સુધારો જોવા મળ્યો છે. અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં તેણે બોલિંગથી પ્રભાવ પાડ્યો હતો અને બે મેચમાં કુલ 6 વિકેટ ઝડપી હતી. મોર્કેલે પણ નીતિશની અલગ-અલગ પરિસ્થિતિમાં બોલિંગ કરવાની ક્ષમતાની પ્રશંસા કરી છે. ટીમ મેનેજમેન્ટ હવે તેને વધુ જવાબદારી આપવા માંગે છે, પરંતુ તેની પાસેથી એકસાથે ઘણી અપેક્ષાઓ રાખવાને બદલે સરળ ભૂમિકા આપીને ધીમે-ધીમે વિકસાવવાનો અભિગમ રાખવામાં આવી રહ્યો છે.

હાર્મિક પંડ્યાની ગેરહાજરીમાં તક

હાર્દિક પંડ્યા હાલમાં ઈજાના કારણે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં ભારત પાસે સીમ બોલિંગ કરાવી શકે તેવા ઓલરાઉન્ડર તરીકે નીતિશ માટે પોતાની જગ્યા મજબૂત કરવાની તક છે. જોકે, મોર્કેલે તેને માત્ર હાર્દિકના બેકઅપ તરીકે જોવાની વાત કરી નથી. તેમનું કહેવું છે કે નીતિશને એટલો વિકસાવવો જોઈએ કે તે ભવિષ્યમાં ઓલરાઉન્ડર સ્થાન માટે પોતાની રીતે સ્પર્ધા કરી શકે. ભારતે 2026ની ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે પણ નીતિશને સીમ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં જાળવી રાખ્યો હતો.

2027 વર્લ્ડ કપ માટે મહત્વની તક

ભારત હવે આગામી વનડે વર્લ્ડ કપ માટે ટીમના વિકલ્પો તૈયાર કરી રહ્યું છે. નીતિશનો વનડે અનુભવ હજુ મર્યાદિત છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેને સતત તક આપીને તેની ભૂમિકા નક્કી કરવા માંગે છે. મોર્કેલે સ્પષ્ટ કર્યું છે કે ખેલાડીઓને મોટી ટૂર્નામેન્ટ પહેલાં અચાનક તૈયાર કરવાને બદલે અત્યારથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમાડવા અને શીખવાની તક આપવી જરૂરી છે. નીતિશ માટે પણ આગામી વનડે મેચો પોતાની દાવેદારી મજબૂત કરવાની મહત્વની તક બની શકે છે.

ઈજાઓ વચ્ચે ભારતને મળશે વધુ વિકલ્પો

હાર્દિક પંડ્યા ઉપરાંત ભારતના કેટલાક અન્ય ખેલાડીઓ પણ ઈજાથી પરેશાન રહ્યા છે. આવી સ્થિતિમાં મોર્કેલનું ધ્યાન ખેલાડીઓના વર્કલોડ અને ફિટનેસ મેનેજમેન્ટ પર પણ છે. તેમણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ મેડિકલ ટીમ સાથે મળીને દરેક ખેલાડી માટે અલગ પ્લાન બનાવી રહ્યું છે. નીતિશને પણ યોગ્ય રીતે મેનેજ કરીને સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો તે બેટિંગ અને બોલિંગ બંનેમાં સતત પ્રદર્શન કરે છે, તો ભારત પાસે 2027 વર્લ્ડ કપ પહેલાં સીમ બોલિંગ ઓલરાઉન્ડરનો વધુ એક વિકલ્પ તૈયાર થઈ શકે છે.

આ પણ વાંચો: India vs West Indies 1st ODI : સિરાઝના બોલથી ઘાયલ થયો કેપ્ટન, ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધશે?