ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની ઘરઆંગણે રમાનારી વનડે સિરીઝ શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે. કેપ્ટન શુભમન ગિલને પ્રેક્ટિસ દરમિયાન જમણી કોણીમાં ઈજા થઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની પ્રથમ વનડે 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાવાની છે. આ મેચના 2 દિવસ પહેલાં ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન ગિલને ઈજા થઈ હતી.
ગિલે ફરી બેટિંગ ન કરી
ઈજા બાદ શુભમન ગિલ નેટ્સના બીજા ભાગમાં જઈને બેઠો હતો. તે પોતાની કોણી પકડીને દર્દમાં જોવા મળ્યો હતો. સપોર્ટ સ્ટાફે તેના હાથ પર સ્ટ્રેપિંગ કર્યું હતું. ત્યારબાદ ગિલે ફરી બેટિંગ કરી નહોતી અને બાકીનું પ્રેક્ટિસ સેશન રિકવરીમાં પસાર કર્યું હતું.જોકે, પ્રેક્ટિસ પૂરી થવા સુધી તેની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. ગિલે ગુરનૂર બરાર સાથે વાતચીત પણ કરી હતી અને હળવી મજાક કરતો જોવા મળ્યો હતો. મેદાનમાંથી બહાર નીકળતી વખતે પણ તે વધારે મુશ્કેલીમાં દેખાયો નહોતો. તેમ છતાં પ્રથમ વનડે પહેલાં તેની ફિટનેસ ટીમ મેનેજમેન્ટ માટે મહત્વનો મુદ્દો બની ગઈ છે.
અગાઉ પણ ઈજાએ વધારી હતી ચિંતા
શુભમન ગિલ માટે આ સતત બીજી ઘટના છે,જ્યારે સિરીઝ પહેલાં ઈજાએ ચિંતા વધારી છે.ગયા મહિને શ્રીલંકામાં પ્રેક્ટિસ દરમિયાન તેની રિંગ ફિંગર પર બોલ વાગ્યો હતો. જોકે, તે ઈજામાંથી સમયસર સ્વસ્થ થઈને 2 ટેસ્ટની સિરીઝમાં રમ્યો હતો.શુક્રવારની પ્રેક્ટિસ પહેલાં ગિલ સારી લયમાં જોવા મળ્યો હતો. તે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડ સાથે સૌથી પહેલાં પ્રેક્ટિસ માટે ઉતરનારા બેટર્સમાં સામેલ હતો.નીતીશ કુમાર રેડ્ડીની બોલિંગમાં સારો ઉછાળ જોવા મળ્યો હતો અને તેણે ગિલને કેટલીક વખત મુશ્કેલીમાં મૂક્યો હતો. ત્યારબાદ ગુરનૂર બરાર સામે ગિલે શરૂઆતમાં સાવચેતીથી બેટિંગ કરી હતી, પરંતુ બાદમાં કેટલાક શાનદાર ડ્રાઇવ પણ ફટકાર્યા હતા.જોકે,કોણીની ઈજાને કારણે તેનું સેશન સમય પહેલાં જ સમાપ્ત થયું.
ટીમ ઈન્ડિયા પહેલેથી જ ઈજાથી પરેશાન
શુભમન ગિલની ઈજા એવા સમયે થઈ છે જ્યારે ભારતીય ટીમ પહેલેથી જ ઘણા ખેલાડીઓની ફિટનેસ સમસ્યાઓનો સામનો કરી રહી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન નીતીશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરની ઉપલબ્ધતા ઈજાના કારણે પ્રભાવિત થઈ હતી.ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ સ્વીકાર્યું છે કે ભારત પોતાની ઉપલબ્ધ શ્રેષ્ઠ ટીમ સાથે મેદાનમાં ઉતરવા માગે છે.જોકે, ઈજા રમતનો એક ભાગ હોવાનું તેમણે જણાવ્યું હતું અને આવી સ્થિતિ અન્ય ખેલાડીઓને પોતાની જાતને સાબિત કરવાની તક પણ આપે છે.
હાર્દિક પંડ્યાની ઈજાએ પણ ચિંતા વધારી
બીજી તરફ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ પણ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. હાર્દિકને ઈન્ડિયા A તરફથી ઓસ્ટ્રેલિયા A સામેની 3 મેચની સિરીઝમાં રમવાનું હતું, પરંતુ જમણી પિંડળીમાં ફરી દુખાવો થતાં તે આ મેચોમાંથી બહાર થઈ ગયો છે.હાર્દિક છેલ્લા કેટલાક મહિનાથી સેન્ટર ઓફ એક્સેલન્સમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો હતો અને સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસીની નજીક હતો. જોકે, ઈજા ફરી સામે આવતાં તેની વાપસીની યોજના પાછળ ઠેલાઈ છે.નવા સ્કેન બાદ BCCIની મેડિકલ ટીમે હાર્દિકને આરામ કરવાની સલાહ આપી છે. ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝમાં પણ તેની હાજરી અંગે હાલ અનિશ્ચિતતા છે. હાર્દિક ભારત માટે બેટિંગ અને બોલિંગ બંનેમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી તેની સંપૂર્ણ ફિટનેસ ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો - Hardik Pandyaની વાપસીમાં ફરી વિલંબ, હવે આ ઈજાએ વધારી ચિંતા