ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસીની રાહ વધુ લાંબી થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા A સામેની 3 મેચની અનઓફિશિયલ વનડે સિરીઝ માટે હાર્દિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ તે પસંદગી ફિટનેસ પર આધારિત હતી. હવે જમણા પગની શિનમાં ફરી દુખાવો થતાં તેની વાપસી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.મીડિયા રિપોર્ટ અનુસાર હાર્દિકને સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં જમણી શિનમાં ફરી દુખાવો થયો હતો. ત્યારબાદ તેના નવા સ્કેન કરવામાં આવ્યા અને મેડિકલ ટીમે વધુ આરામની સલાહ આપી છે. ઉપલબ્ધ રિપોર્ટ્સ મુજબ હાર્દિક ઓસ્ટ્રેલિયા A સામે 6 ઓક્ટોબરથી શરૂ થનારી 3 વનડે મેચમાં રમશે નહીં. જોકે BCCI તરફથી આ અંગે સત્તાવાર જાહેરાત હજુ સામે આવી નથી
ઓસ્ટ્રેલિયા A સિરીઝથી વાપસીની હતી યોજના
હાર્દિકે IPL 2026 બાદ કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચ રમી નથી. લાંબા સમયથી ઈજાની સારવાર અને રિહેબિલિટેશનમાંથી પસાર થયા બાદ તેને ભારત Aની ઓસ્ટ્રેલિયા A સામેની વનડે સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ સિરીઝ હાર્દિક માટે મેચ ફિટનેસ ચકાસવાની તક માનવામાં આવી રહી હતીભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની 2026ની સિરીઝમાં 2 અનઓફિશિયલ ટેસ્ટ અને 3 અનઓફિશિયલ વનડેનો સમાવેશ છે. વનડે મેચો 6, 9 અને 11 ઓક્ટોબરે પુડુચેરીમાં રમાવાની છે.ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ અગાઉ કહી ચૂક્યા છે કે હાર્દિકને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત લાવવામાં ઉતાવળ કરવામાં આવશે નહીં. ગંભીરના જણાવ્યા મુજબ હાર્દિક હાલમાં 10 ઓવર બોલિંગ કરવા માટે જરૂરી ફિટનેસથી દૂર હતો અને ભારત A સિરીઝમાં મેચ સમય મળવો તેની વાપસીની પ્રક્રિયાનો એક ભાગ હતો
