આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે વર્ષ 2035 સુધીના પુરુષ ક્રિકેટના વૈશ્વિક કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.આ કાર્યક્રમ હેઠળ ભારતને બે મોટી ICC ટૂર્નામેન્ટની યજમાની સોંપવામાં આવી છે. ભારત 2029માં ચેમ્પિયન્સ ટ્રોફીનું એકમાત્ર યજમાન બનશે, જ્યારે 2031માં વનડે વર્લ્ડ કપની સંયુક્ત યજમાની કરશે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2029ની યજમાની મળતાં જ ક્રિકેટ જગતમાં એક મોટો સવાલ ઊભો થયો છે.શું પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટ રમવા ભારત આવશે? ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને જોતાં આ સવાલનો જવાબ અત્યારે મળવો મુશ્કેલ છે.

2029માં ભારત કરશે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની

ICCના નવા ક્રિકેટ કાર્યક્રમ પ્રમાણે ભારતને 2029ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની મળી છે.આ ટૂર્નામેન્ટ 9થી 28 ઓક્ટોબર 2029 દરમિયાન રમાશે.ખાસ વાત એ છે કે 2006 બાદ પ્રથમ વખત ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની મળી છે.આ ઉપરાંત ભારતને 2031ના વનડે વર્લ્ડ કપની પણ યજમાની સોંપવામાં આવી છે. જોકે, આ વર્લ્ડ કપની યજમાની ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે કરશે.ચેમ્પિયન્સ ટ્રોફી 2029ને લઈને અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.તેનું સૌથી મોટું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો છે.

શું પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવશે?

જો પાકિસ્તાનની ટીમ 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થશે તો ભારત પ્રવાસ અંગે ફરી ચર્ચા શરૂ થઈ શકે છે.બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની અસર લાંબા સમયથી ક્રિકેટ પર જોવા મળી રહી છે.ભારતીય ટીમે લાંબા સમયથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી.બીજી તરફ પાકિસ્તાની ટીમ છેલ્લે 2023ના વનડે વર્લ્ડ કપ દરમિયાન ભારત આવી હતી.2025ની ચેમ્પિયન્સ ટ્રોફી વખતે પણ આ મુદ્દે વિવાદ થયો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે સુરક્ષાને લગતી ચિંતાઓને કારણે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ભારતની તમામ મેચો તટસ્થ સ્થળે રમાડવામાં આવી હતી. એટલું જ નહીં, ફાઇનલનું આયોજન પણ દુબઈમાં કરવામાં આવ્યું હતું.

https://x.com/mufaddal_vohra/status/2121967200978526600?a=X4ECeY8Qog_jwHGgtRM&s=20


2026 T20 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાને ભારતમાં મેચ રમી નહોતી

2025ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 2026ના T20 વર્લ્ડ કપમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોની અસર જોવા મળી હતી.આ ટૂર્નામેન્ટની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા હતા.પાકિસ્તાને ભારતમાં પોતાની મેચ રમવાને બદલે શ્રીલંકામાં મેચ રમવાનો નિર્ણય કર્યો હતો.આ રીતે તાજેતરની બે મોટી ICC ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચો તથા યજમાનીને લઈને અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.

2029માં ફરી હાઇબ્રિડ મોડલ લાગુ થશે?

હવે સૌથી મોટો સવાલ એ છે કે 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC કઈ વ્યવસ્થા અપનાવશે? જો પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થશે તો શું તે ભારત પ્રવાસ કરશે કે તેની મેચો તટસ્થ સ્થળે યોજાશે?2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં અપનાવવામાં આવેલા હાઇબ્રિડ મોડલને ધ્યાનમાં રાખતાં 2029માં પણ આવી વ્યવસ્થાની ચર્ચા થઈ શકે છે.જોકે, અત્યારે ICC, BCCI કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. ટૂર્નામેન્ટને હજુ ઘણો સમય બાકી હોવાથી આગામી વર્ષોમાં બંને ક્રિકેટ બોર્ડ અને ICC વચ્ચેની ચર્ચા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો - Jay Shahને ફરી મળી ICCની કમાન, બિનહરીફ ચૂંટાતા રચ્યો ઇતિહાસ!