ક્રિકેટના મેદાનમાં જ્યારે પણ લાંબા છગ્ગા અને આક્રમક બેટિંગની વાત થાય છે ત્યારે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલનું નામ સૌથી પહેલાં યાદ આવે છે. 'યુનિવર્સ બોસ' તરીકે જાણીતા ગેલ ફરી એકવાર પોતાના બેટથી ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરવા તૈયાર છે. આ વખતે તેઓ ઇટાલિયા T10 લીગમાં રમતા જોવા મળશે. ગેલે આગામી ટુર્નામેન્ટ માટે વેનિસ લાઇવવાયર્સ ટીમ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે.ક્રિસ ગેલના આગમનથી વેનિસ લાઇવવાયર્સને મોટો ફાયદો થવાની આશા છે. તેમના અનુભવ અને આક્રમક બેટિંગથી ટીમને મજબૂતી મળશે. સાથે જ ગેલ જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મોટા નામના જોડાવાથી ઇટાલિયા T10 લીગને પણ નવી ઓળખ મળી શકે છે.

વેનિસ લાઇવવાયર્સે કરી ગેલની એન્ટ્રીની જાહેરાત

વેનિસ લાઇવવાયર્સ ફ્રેન્ચાઇઝીએ ક્રિસ ગેલને પોતાની ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. ટીમને આશા છે કે ગેલનો અનુભવ અને આક્રમક અંદાજ ટુર્નામેન્ટમાં તેમના માટે ઉપયોગી સાબિત થશે.ગેલે પણ આ નવી ક્રિકેટ સફરને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ઇટાલિયા T10 લીગમાં વેનિસ લાઇવવાયર્સનો ભાગ બનવા માટે તેઓ ખૂબ ઉત્સુક છે. T10 ક્રિકેટ ઝડપી અને રોમાંચક ફોર્મેટ છે. ઇટાલીના ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરવાની તેમને આતુરતા છે.

એમએસકે પ્રસાદે ગેલના આગમનને ગણાવી મોટી ઉપલબ્ધિ

વેનિસ લાઇવવાયર્સના ટીમ ડિરેક્ટર અને ભારતના પૂર્વ ક્રિકેટર એમએસકે પ્રસાદે પણ ક્રિસ ગેલના ટીમ સાથે જોડાવાને મોટી ઉપલબ્ધિ ગણાવી છે.તેમના મતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને દુનિયાની મોટી ફ્રેન્ચાઇઝી લીગમાં રમવાનો ગેલનો અનુભવ ટીમ માટે ખૂબ મહત્વનો રહેશે. દબાણની સ્થિતિમાં રમવાની તેમની ક્ષમતા અને અન્ય ખેલાડીઓને પ્રેરણા આપવાની આવડતથી ટીમને ફાયદો થઈ શકે છે.ગેલ માત્ર પોતાની બેટિંગથી જ નહીં, પરંતુ મેદાન પરના અનુભવથી પણ યુવા ખેલાડીઓ માટે માર્ગદર્શક બની શકે છે.

2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું હતું અલવિદા

ક્રિસ ગેલે વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે, ત્યારથી તેઓ દુનિયાની વિવિધ T20 લીગ અને પ્રદર્શન મેચોમાં રમતા જોવા મળ્યા છે.તાજેતરમાં તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ 2026માં પણ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં તેમની ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાં ગેલના આંકડા શાનદાર

ક્રિસ ગેલની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તેમણે વેસ્ટ ઇન્ડીઝ માટે 103 ટેસ્ટ, 301 વનડે અને 79 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.IPLમાં પણ ગેલે પોતાની આક્રમક બેટિંગથી અનેક રેકોર્ડ બનાવ્યા છે. તેમણે 142 IPL મેચમાં ભાગ લીધો હતો. IPLમાં તેમની 175 રનની અણનમ ઇનિંગ આજે પણ ટુર્નામેન્ટના ઇતિહાસમાં એક ઇનિંગમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ધરાવે છે.હવે ઇટાલિયા T10 લીગમાં ગેલની એન્ટ્રીથી ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા વધી છે. જોવાનું રહેશે કે 'યુનિવર્સ બોસ' ફરી એકવાર પોતાના લાંબા છગ્ગા અને તોફાની બેટિંગથી મેદાનમાં કેટલો ધમાલ મચાવે છે.

આ પણ વાંચો - PAK vs SL : લાહોરમાં સ્મોગનો કહેર! પાકિસ્તાન-શ્રીલંકાની બીજી ટેસ્ટનું સ્થળ બદલાયું