ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ કોલંબોમાં રમાઈ રહી છે. 2 દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે, અને ભારત મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે. મેચના બીજા દિવસે ઘણી વખત વરસાદે રમત અટકાવી હતી.

ક્રિકેટ ફેન્સ હવે ત્રીજા દિવસે હવામાનને લઈને ચિંતિત છે. દરેકના મનમાં એક સવાલ એ છે કે ત્રીજા દિવસે હવામાન કેવું રહેશે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પણ વરસાદની અપેક્ષા છે.

ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કોલંબોમાં હવામાન કેવું રહેશે?

હવે કોલંબો ટેસ્ટ મેચના બાકીના 3 દિવસની રમત નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ પહેલા એટલે કે સવારે 9:45 વાગ્યે શરૂ થશે. 25 ઓગસ્ટના રોજ સવારે 9 થી 10 વાગ્યા દરમિયાન કોલંબોમાં વરસાદની 49 ટકા શક્યતા છે. આ પછી સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી આકાશ વાદળછાયું રહેશે. બપોરે 1 વાગ્યા પછી વરસાદની 55 ટકા શક્યતા છે. સાંજે 4 વાગ્યે પણ વરસાદની 51 ટકા શક્યતા છે. હવે જોવાનું એ છે કે મેચના ત્રીજા દિવસે કેટલી ઓવર રમી શકાય છે.

ટીમ ઈન્ડિયાએ 503 રન બનાવીને પોતાની ઈનિંગ ડિકલેર કરી

કોલંબો ટેસ્ટનો બીજો દિવસ ટીમ ઈન્ડિયાના નામે હતો. ભારતે 9 વિકેટે 503 રન પર પોતાની પહેલી ઈનિંગ ડિકલેર કરી. ત્યારબાદ શ્રીલંકાએ દિવસના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવી દીધી, 3 ઓવરમાં ફક્ત 8 રન બનાવી લીધા. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને માનવ સુથારે અત્યાર સુધી 1-1 વિકેટ લીધી છે. ત્રીજા દિવસે ભારતીય બોલરો કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.

ધ્રુવ જુરેલ અને પડિકલે સદી ફટકારી હતી

ધ્રુવ જુરેલે 177 બોલમાં અણનમ 115 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ધ્રુવ જુરેલે 171 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેની બીજી ટેસ્ટ સદી હતી. તેને ઓક્ટોબર 2025માં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી સદી ફટકારી હતી. 

દેવદત્ત પડિકલે પણ તેના પહેલા સદી ફટકારી હતી, જેમાં 193 બોલમાં 7 ચોગ્ગા સહિત 117 રન બનાવ્યા હતા. વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે 63 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન શુભમન ગિલે 50 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન