IPL 2027ની તૈયારી વચ્ચે ખેલાડીઓની અદલાબદલીને લઈને ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે હલચલ તેજ બની છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની નજર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન પર હોવાનું જાણવા મળ્યું છે. હૈદરાબાદે લિવિંગસ્ટોનને છેલ્લી હરાજીમાં ₹13 કરોડમાં ખરીદ્યો હતો. હવે ચેન્નાઈ તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ટ્રેડની શક્યતા તપાસી રહી છે.
લિવિંગસ્ટોન માટે એકથી વધુ ટીમો ઉત્સુક
અહેવાલો અનુસાર, લિવિંગસ્ટોનને પોતાની ટીમમાં લેવા માટે માત્ર CSK જ નહીં, પરંતુ ઉત્તર ભારતની એક અન્ય ફ્રેન્ચાઇઝી પણ રસ દાખવી રહી છે. જોકે, સનરાઇઝર્સ હૈદરાબાદે તેને છોડવો કે નહીં તે અંગે હજુ અંતિમ નિર્ણય લીધો નથી. IPLની આગામી સિઝન માટે ખેલાડીઓ જાળવી રાખવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. આ સમયમર્યાદા પહેલાં વિવિધ ટીમો વચ્ચે ટ્રેડની ચર્ચા ચાલી રહી છે. જોકે, લિવિંગસ્ટોન અંગેની વાતચીત હજુ પ્રાથમિક તબક્કામાં છે અને કોઈ સોદો પાક્કો થયો નથી.
ખલીલ અહેમદનું નામ પણ ચર્ચામાં
ટ્રેડની ચર્ચા દરમિયાન CSKના ફાસ્ટ બોલર ખલીલ અહેમદનું નામ પણ સામે આવ્યું છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચેન્નાઈ લિવિંગસ્ટોનના બદલામાં ખલીલને હૈદરાબાદને આપી શકે છે. સૂત્રોના હવાલાથી આવેલા અહેવાલો મુજબ, આ ચર્ચામાં ખલીલ ઉપરાંત CSKના અન્ય એક ખેલાડીનું નામ પણ સામેલ હોઈ શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં એકથી વધુ ટીમો અને ખેલાડીઓ જોડાયેલા હોવાનું કહેવાય છે. તેથી અંતિમ સોદામાં કયા ખેલાડીઓ સામેલ થશે તે હજુ સ્પષ્ટ નથી.
લિવિંગસ્ટોનનું છેલ્લું IPL પ્રદર્શન નિરાશાજનક
લિયામ લિવિંગસ્ટોન માટે IPL 2026ની સિઝન ખાસ રહી નહોતી. હૈદરાબાદે તેને ₹13 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ તેને માત્ર 2 મેચ રમવાની તક મળી હતી. આ બંને મેચમાં તે કુલ 15 રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ તેને ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેને ₹8.75 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ બાદમાં તેને રિલીઝ કરી દીધો હતો. લિવિંગસ્ટોન આક્રમક બેટિંગ અને સ્પિન બોલિંગ માટે જાણીતો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સને મિડલ ઓર્ડરમાં આક્રમક બેટરની જરૂરિયાત છે. ખાસ કરીને IPL 2026માં ટીમને અંતિમ ઓવરોમાં રન બનાવવામાં મુશ્કેલી પડી હતી. આવી સ્થિતિમાં લિવિંગસ્ટોન ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે, ટ્રેડ અંગેનો અંતિમ નિર્ણય CSK અને SRH વચ્ચેની વાતચીત બાદ જ સામે આવશે.
આ પણ વાંચો: ICC Rankings: 53 સ્થાનની ભયંકર છલાંગ: ભારતની આ નવી સ્ટાર ખેલાડીએ ત્રીજી વનડે મેચમાં જ ખોલ્યો પંજો