ઇન્ડિયન પ્રીમિયર લીગની 2027ની સિઝન પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની ટીમના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ સામે આવ્યા છે. છેલ્લા 2 સિઝનમાં મેદાન પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી CSK હવે નવી તૈયારીઓ સાથે આગામી સિઝનમાં ઉતરવા માગે છે. આ માટે ફ્રેન્ચાઇઝીએ પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર શરૂ કર્યા છે. મોડિયા રિપોર્ટ અનુસાર, ટીમના બેટિંગ કોચ તરીકે જવાબદારી સંભાળતા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઇક હસી સાથેનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટરના ભવિષ્ય અંગે પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે.

2018થી CSKના બેટિંગ કોચ હતા માઇક હસી

માઇક હસીએ ખેલાડી તરીકે IPL કારકિર્દીની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કરી હતી. પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમણે ટીમ માટે અનેક યાદગાર પ્રદર્શન કર્યાં હતાં. નિવૃત્તિ બાદ તેઓ કોચિંગ ક્ષેત્રમાં જોડાયા હતા.વર્ષ 2018માં હસીએ CSKના બેટિંગ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. ત્યારથી તેઓ ટીમના બેટરોને માર્ગદર્શન આપતા આવ્યા હતા. મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ તેમણે લાંબા સમય સુધી ટીમ સાથે કામ કર્યું હતું.હવે IPL 2027 પહેલાં હસીને બેટિંગ કોચની જવાબદારીમાંથી દૂર કરવાનો નિર્ણય ફ્રેન્ચાઇઝીના કોચિંગ માળખામાં મોટા ફેરફારના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. જોકે, આ નિર્ણય અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કોચિંગ સ્ટાફમાં સતત ફેરફારની તૈયારી

ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લા કેટલાક સમયથી પોતાની ટીમના પ્રદર્શનમાં સુધારો કરવા માટે નવા વિકલ્પો પર કામ કરી રહી છે. આગામી સિઝન પહેલાં કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવાની યોજના પણ આ જ પ્રયાસનો ભાગ હોવાનું માનવામાં આવે છે.અહેવાલમાં જણાવ્યા મુજબ, મુખ્ય કોચના પદમાં ફેરફાર બાદ જહીર ખાનને આ જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મોહિત શર્માને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માઇક હસી સાથેનો સંબંધ પૂર્ણ થયા બાદ હવે નવા બેટિંગ કોચની નિમણૂક અંગે ચર્ચા શરૂ થઈ શકે છે.કોચિંગ સ્ટાફમાં નવા ચહેરાઓને સ્થાન આપવાથી ટીમની રણનીતિ, ખેલાડીઓની તૈયારી અને મેદાન પરના પ્રદર્શનમાં કેવો ફેરફાર આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

https://x.com/CricCrazyJohns/status/2108729936899145753?s=20


જેમ્સ ફોસ્ટરના ભવિષ્ય અંગે પણ અનિશ્ચિતતા

માઇક હસી ઉપરાંત ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટરના ભવિષ્ય અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. ફોસ્ટરે અગાઉની સિઝનમાં ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. જોકે, અહેવાલ અનુસાર ફ્રેન્ચાઇઝીએ તેમના કરારને લંબાવવાનો નિર્ણય હાલ મુલતવી રાખ્યો છે.જો CSK કોચિંગ સ્ટાફમાં વધુ ફેરફાર કરે છે, તો IPL 2027માં ટીમને નવા કોચિંગ માળખા સાથે મેદાનમાં ઉતરતી જોઈ શકાય છે. જોકે, ફોસ્ટર અંગેનો અંતિમ નિર્ણય અને નવા બેટિંગ કોચની નિમણૂક અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવી પડશે.

આ પણ વાંચો - Abhishek Sharmaએ રચ્યો ઇતિહાસ, ઘરઆંગણે આ સિદ્ધિ મેળવનારા 7મો ભારતીય બન્યો