ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં આઠ વર્ષ જૂનો સેન્ડપેપર વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. પૂર્વ ઓપનર ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથા 'સબર'માં દાવો કર્યો છે કે 2018માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન બોલ સાથે ચેડાં કરવાની યોજનાની જાણ આખી ઓસ્ટ્રેલિયન ટીમને હતી. આ દાવા બાદ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ ફરી સવાલોના ઘેરામાં છે. આ દરમિયાન કમિન્સનો સિડનીની સડક પર પત્ની બેકી સાથે ઉગ્ર ચર્ચા કરતો વીડિયો સામે આવ્યો છે. જોકે, આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાની પુષ્ટિ થઈ નથી.
પત્ની બેકી સાથેની વાતચીતનો વીડિયો વાયરલ
ઓસ્ટ્રેલિયન અખબાર 'ધ ઑસ્ટ્રેલિયન' દ્વારા સામે લાવવામાં આવેલા વીડિયોમાં પેટ કમિન્સ અને તેની પત્ની બેકી સિડનીની એક સડક પર વાતચીત કરતા જોવા મળે છે. બંને વચ્ચેની વાતચીત થોડી ઉગ્ર દેખાય છે. ત્યારબાદ બંને નજીકની એક ઇમારતમાં જતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. ખ્વાજાના નવા ખુલાસા બાદ કમિન્સ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો હતો. જોકે, વીડિયોમાં બંને વચ્ચે કઈ વાત થઈ રહી હતી તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
https://www.instagram.com/reel/DfnVi3hiZBd/?utm_source=ig_web_button_share_sheet
ખ્વાજાનો દાવો: આખી ટીમને ખબર હતી
ઉસ્માન ખ્વાજાની આત્મકથા 'સબર'માં 2018ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ અંગે નવા દાવા કરવામાં આવ્યા છે. ખ્વાજાના જણાવ્યા પ્રમાણે, બોલ સાથે ચેડાં કરવાની યોજનાની જાણ માત્ર કેટલાક ખેલાડીઓને જ નહીં, પરંતુ સમગ્ર ટીમ અને સપોર્ટ સ્ટાફને હતી. આ વિવાદ માર્ચ 2018માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન સામે આવ્યો હતો. કેમેરામાં કેમેરોન બેનક્રોફ્ટ બોલને સેન્ડપેપરથી ઘસતો ઝડપાયો હતો. ત્યારબાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટ સામે કાર્યવાહી કરી હતી. સ્મિથ અને વોર્નરને એક વર્ષનો પ્રતિબંધ મળ્યો હતો, જ્યારે બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકાયો હતો.
હવે કમિન્સ શુક્રવારે આપશે જવાબ
આ વિવાદ વચ્ચે પેટ કમિન્સે મીડિયા સામે આવીને તમામ સવાલોના જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. તેણે શુક્રવારે સવારે સિડનીમાં પત્રકાર પરિષદ યોજવાની જાહેરાત કરી છે. કમિન્સે જણાવ્યું છે કે ખ્વાજાના તમામ દાવાઓને યોગ્ય રીતે સમજવા માટે તેણે સમય લીધો છે, જેથી તે જવાબ આપી શકે.
અગાઉ કમિન્સે કહ્યું હતું કે 2018ની ઘટના અંગે તપાસ થઈ ચૂકી છે અને ટીમ આ મામલામાંથી આગળ વધી ગઈ છે. હવે નવી આત્મકથામાં થયેલા દાવાઓ બાદ તેની પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર રહેશે. ખાસ કરીને બોલિંગ ગ્રૂપને આ સમગ્ર યોજનાની જાણ હતી કે નહીં તે અંગે કમિન્સ શું કહે છે તે મહત્ત્વનું રહેશે.
આ પણ વાંચો: IND VS NZ: કોહલી-રોહિતે આકિબને શીખવી નવી ટ્રીક! હવે ચોથી ODIમાં થશે પરીક્ષા