ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. મેદાન પર સતત શાનદાર પ્રદર્શન કરી રહેલી દીપ્તિને હવે ICC તરફથી પણ તેના પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. દીપ્તિએ ઓક્ટોબર 2026 માટે ICC મહિલા પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીત્યો છે. ખાસ વાત એ છે કે તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં બીજી વખત આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો છે.દીપ્તિ શર્માએ આ એવોર્ડની રેસમાં બાંગ્લાદેશની સોબાના મોસ્તરી અને ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને પાછળ છોડી દીધાં છે. ઝિમ્બાબ્વે સામેની ઘરઆંગણે રમાયેલી વનડે અને T20 શ્રેણીમાં દીપ્તિનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. તેણે બેટિંગ અને બોલિંગ બંનેમાં ટીમ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ઝિમ્બાબ્વે સામે બેટિંગ અને બોલિંગમાં મચાવ્યો ધમાલ
દીપ્તિ શર્મા માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ યાદગાર રહ્યો હતો. ઝિમ્બાબ્વે મહિલા ટીમ સામે રમાયેલી વનડે અને T20 બંને શ્રેણીમાં તેણે પોતાની ઓલરાઉન્ડ ક્ષમતા સાબિત કરી હતી.દીપ્તિએ બંને શ્રેણીની કુલ 6 મેચમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે બેટિંગમાં એક શાનદાર સદીની મદદથી કુલ 155 રન બનાવ્યા હતા. બીજી તરફ બોલિંગમાં પણ તેણે વિરોધી ટીમના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા અને કુલ 7 વિકેટ ઝડપી હતી.તેના આ શાનદાર પ્રદર્શનને કારણે ભારતને શ્રેણીમાં ફાયદો થયો હતો. દીપ્તિએ સાબિત કર્યું કે તે માત્ર બોલિંગ જ નહીં, પરંતુ જરૂર પડે ત્યારે બેટિંગમાં પણ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે.
https://x.com/ICC/status/2121271538318246194?a=Y7DjtlkcJmbkvv9j8bE&s=20
સદી ફટકારવી મારા માટે ખાસ ક્ષણ હતી: દીપ્તિ શર્મા
ICC મહિલા પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીત્યા બાદ દીપ્તિ શર્માએ ખુશી વ્યક્ત કરી હતી.તેણે કહ્યું હતું કે ઝિમ્બાબ્વે સામેની શ્રેણી ભારતીય ટીમ માટે શાનદાર રહી હતી અને તેને પોતાની ટીમના પ્રદર્શન પર ગર્વ છે.દીપ્તિએ ખાસ કરીને યુવા ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું કે સદી ફટકારવી તેના માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. આ સદીનું મહત્ત્વ એટલા માટે પણ વધારે હતું કારણ કે તેની મદદથી ટીમને જીત મેળવવામાં સફળતા મળી હતી.દીપ્તિએ આ સન્માન માટે મતદાન પેનલ અને ચાહકોનો આભાર માન્યો હતો. સાથે જ તેણે પોતાની સાથી ખેલાડીઓ અને કોચનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે હંમેશાં તેને સમર્થન આપ્યું છે.
માર્કો યાનસેનને પહેલી વખત મળ્યો ICC એવોર્ડ
મહિલા ક્રિકેટમાં દીપ્તિ શર્માએ એવોર્ડ જીત્યો છે, તો બીજી તરફ પુરુષ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર માર્કો યાનસેને પણ મોટી સિદ્ધિ મેળવી છે.યાનસેનને ઓક્ટોબર 2026 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે તેની કારકિર્દીમાં આ પ્રથમ વખત છે જ્યારે તેણે આ એવોર્ડ જીત્યો છે.
ભારત માટે ગૌરવની વાત
દીપ્તિ શર્માની આ સિદ્ધિ ભારતીય મહિલા ક્રિકેટ માટે ગૌરવની વાત છે. સતત ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કરીને તેણે પોતાની ઉપયોગિતા સાબિત કરી છે. બીજી વખત ICC પ્લેયર ઓફ ધ મન્થ બનવું તેની મહેનત અને પ્રતિભાનું પરિણામ છે.
આ પણ વાંચો - IPL 2027 Trade : શમી-સેમ કરનના ટ્રેડની ચર્ચા વચ્ચે જયસ્વાલ પર નજર! IPL પહેલાં બે ટીમો વચ્ચે ખેંચતાણ