IPL 2027 પહેલાં જ ખેલાડીઓની અદલાબદલીને લઈને ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મોટા ટ્રેડને લઈને ચર્ચા ચાલી રહી છે. આ સંભવિત ડીલમાં મોહમ્મદ શમી, સેમ કરન અને યશસ્વી જયસ્વાલ જેવા મોટા ખેલાડીઓનાં નામ સામે આવ્યાં છે. ખાસ વાત એ છે કે યશસ્વી જયસ્વાલને લઈને બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે હજુ સુધી સહમતી બની શકી નથી. જો આ ડીલ ફાઇનલ થાય તો IPL 2027 પહેલાં ટીમોની તાકાતમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

16 ડિસેમ્બરે ગોવામાં મિની ઓક્શન યોજાશે 

IPLની 20મી સિઝન વર્ષ 2027માં રમાશે. આ પહેલાં 16 ડિસેમ્બરે ગોવામાં મિની ઓક્શન યોજાવાનું છે. તમામ 10 ફ્રેન્ચાઇઝીએ 17 નવેમ્બર સુધી પોતાના રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની છે. આવી સ્થિતિમાં ટ્રેડ વિન્ડો દરમિયાન ટીમો પોતાની જરૂરિયાત પ્રમાણે ખેલાડીઓની અદલાબદલી કરવામાં વ્યસ્ત છે.

યશસ્વી જયસ્વાલના ટ્રેડ પર ફસાયો પેચ

યશસ્વી જયસ્વાલ IPLના સૌથી પ્રતિભાશાળી ઓપનિંગ બેટ્સમેનોમાં ગણાય છે. તેની આક્રમક બેટિંગ અને સતત સારું પ્રદર્શન તેને રાજસ્થાન રોયલ્સ માટે મહત્ત્વનો ખેલાડી બનાવે છે.ક્રિકબઝના અહેવાલ અનુસાર, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે યશસ્વી જયસ્વાલના સંભવિત ટ્રેડ અંગે ચર્ચા થઈ છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.અહેવાલ પ્રમાણે રાજસ્થાન રોયલ્સે આ ડીલમાં વધુ એક ભારતીય ફાસ્ટ બોલરની માગણી કરી હતી, પરંતુ લખનઉની ટીમ આ પ્રસ્તાવ સાથે સહમત થઈ નહોતી. આ કારણે યશસ્વીના ટ્રેડને લઈને વાતચીત આગળ વધી શકી નથી.જો રાજસ્થાન જયસ્વાલને ટ્રેડ કરવાનો નિર્ણય લે છે તો તેની પાસે અન્ય વિકલ્પો પણ હોવાની ચર્ચા છે.

એમ સિદ્ધાર્થનું નામ પણ ટ્રેડમાં સામેલ!

આ સંભવિત ટ્રેડ માત્ર એક ખેલાડીની અદલાબદલી પૂરતો મર્યાદિત નથી. અહેવાલો અનુસાર લખનઉ સુપર જાયન્ટ્સના ડાબોડી સ્પિનર એમ સિદ્ધાર્થનું નામ પણ આ ડીલમાં સામેલ થઈ શકે છે.એવી ચર્ચા છે કે એમ સિદ્ધાર્થ રાજસ્થાન રોયલ્સની ટીમમાં જોડાઈ શકે છે. બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે સંભવિત ટ્રેડમાં સામેલ ખેલાડીઓ સાથે વાતચીત થઈ હોવાની માહિતી પણ સામે આવી છે. જોકે, હજુ કાગળ પરની કાર્યવાહી પૂર્ણ થવાની બાકી છે.જો આ ટ્રેડ ફાઇનલ થાય તો IPL 2027 પહેલાં રાજસ્થાન અને લખનઉની ટીમોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

સેમ કરન વધારાની ફીની માગ કરી રહ્યા છે?

આ ટ્રેડમાં સેમ કરનનું નામ પણ મહત્ત્વનું છે. અગાઉના IPL ટ્રેડમાં સેમ કરન ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રાજસ્થાન રોયલ્સમાં આવ્યા હતા, જ્યારે મોહમ્મદ શમી સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી લખનઉ સુપર જાયન્ટ્સમાં જોડાયા હતા.સેમ કરનને ચેન્નાઈ સુપર કિંગ્સે 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા અને ત્યારબાદ આ જ કિંમતે રાજસ્થાન રોયલ્સ સાથે ટ્રેડ કર્યા હતા. જોકે, ઈજાના કારણે તેઓ IPLની છેલ્લી સિઝનમાં રમી શક્યા નહોતા.

IPL 2027 પહેલાં બદલાઈ શકે છે ટીમોનું સમીકરણ

IPL 2027ની મિની ઓક્શન પહેલાં રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની આ ટ્રેડ ચર્ચા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની છે. એક તરફ યશસ્વી જયસ્વાલ જેવા મેચ વિનર બેટ્સમેનનું નામ ચર્ચામાં છે, તો બીજી તરફ મોહમ્મદ શમી, સેમ કરન અને એમ સિદ્ધાર્થ જેવા ખેલાડીઓ પણ સંભવિત ડીલનો હિસ્સો બની શકે છે.જોકે,હજુ સુધી બંને ફ્રેન્ચાઇઝી તરફથી આ ટ્રેડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે જોવાનું રહેશે કે આ ખેલાડીઓની અદલાબદલીને આખરી સ્વરૂપ મળે છે કે પછી યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સ સાથે જ જોડાયેલા રહે છે.

આ પણ વાંચો - Indian Test Teamમાં મોટો ફેરફાર, કુલદીપ યાદવ બહાર,આ સ્ટાર બોલરની એન્ટ્રી