ભારતીય ક્રિકેટ ટીમ હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત છે,પરંતુ બીજી તરફ IPL 2027ની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. તમામ ફ્રેન્ચાઇઝી પોતાની ટીમને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. દિલ્હી કેપિટલ્સમાં પણ મોટા ફેરફારો થવાની ચર્ચા છે. રિષભ પંતની ટીમમાં વાપસી બાદ હવે કોચિંગ સ્ટાફમાં પણ મોટો ફેરફાર થવાની માહિતી સામે આવી છે.રિપોર્ટ અનુસાર,દિલ્હી કેપિટલ્સમાં સૌરવ ગાંગુલીની ફરી વાપસી થઈ શકે છે. તેમની સાથે યુવરાજ સિંહ, ચમિંડા વાસ અને અમિત મિશ્રા પણ કોચિંગ સ્ટાફમાં મહત્વની જવાબદારી સંભાળી શકે છે.
ગાંગુલી બની શકે છે હેડ કોચ
દિલ્હી કેપિટલ્સમાં આગામી 2 સીઝન માટે ટીમનું સંચાલન જિંદલ ગ્રુપ પાસે રહેવાનું છે. અગાઉની 2 સીઝનમાં GMR ગ્રુપે ટીમનું સંચાલન કર્યું હતું.તે સમયે હેમંગ બદાનીને હેડ કોચ બનાવવામાં આવ્યા હતા.હવે ટીમના સંચાલનમાં ફેરફાર સાથે કોચિંગ સ્ટાફમાં પણ બદલાવની શક્યતા છે. અહેવાલ મુજબ, પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી શકે છે.ગાંગુલી અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે ડિરેક્ટર ઓફ ક્રિકેટ અને મેન્ટોર તરીકે જોડાયેલા રહી ચૂક્યા છે.
યુવરાજ સિંહની પણ એન્ટ્રી
ગાંગુલીની સાથે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને વર્લ્ડ કપ વિજેતા યુવરાજ સિંહ પણ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઈ શકે છે. અહેવાલ પ્રમાણે યુવરાજને આસિસ્ટન્ટ કોચની જવાબદારી મળી શકે છે.જો આ નિમણૂક થાય છે તો યુવરાજ માટે IPLમાં કોચ તરીકે આ પ્રથમ અનુભવ હશે. ખેલાડી તરીકે ભારતીય ક્રિકેટમાં મોટી સફળતા મેળવનાર યુવરાજ હવે કોચ તરીકે પોતાની નવી ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.
ચમિંડા વાસ અને અમિત મિશ્રાને પણ જવાબદારી
શ્રીલંકાના દિગ્ગજ ઝડપી બોલર ચમિંડા વાસને ટીમના ફાસ્ટ બોલિંગ કોચ તરીકે જવાબદારી મળી શકે છે.વાસ IPLની શરૂઆતની 3 સીઝનમાં ડેકન ચાર્જર્સ તરફથી રમ્યા હતા. તેમણે IPLમાં 13 મેચમાં 18 વિકેટ ઝડપી હતી.બીજી તરફ, પૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રાને સ્પિન બોલિંગ કોચ બનાવવામાં આવી શકે છે. અમિત મિશ્રા IPLમાં દિલ્હી માટે પણ રમી ચૂક્યા છે અને સ્થાનિક ક્રિકેટનો પણ સારો અનુભવ ધરાવે છે.
3 કોચના નામે હેટ્રિકનો રેકોર્ડ
આ સંભવિત કોચિંગ સ્ટાફની સૌથી ખાસ વાત એ છે કે ગાંગુલી સિવાયના 3 સભ્યો એકથી વધુ વખત હેટ્રિક લઈ ચૂક્યા છે.ચમિંડા વાસે વનડે ક્રિકેટમાં 2 વખત હેટ્રિક લીધી છે.અમિત મિશ્રાના નામે IPLમાં સૌથી વધુ 3 હેટ્રિકનો રેકોર્ડ છે.યુવરાજ સિંહે પણ IPLમાં 2 વખત હેટ્રિક ઝડપી છે.જોકે, દિલ્હી કેપિટલ્સે હજુ સુધી આ તમામ નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરી નથી.તેથી અંતિમ નિર્ણયની રાહ જોવી પડશે.
આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર Cameron Greenએ કર્યા લગ્ન, જાણો કોણ છે દુલ્હન?