IPL 2025 ના મેગા ઓક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઓક્શન પહેલા BCCI દ્વારા IPL ના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા 'ઈમ્પેક્ટ પ્લેયર' ના નિયમને લઈને થઈ રહી હતી. ઘણા દિગ્ગજ ખેલાડીઓના વિરોધ બાદ એવું માનવામાં આવતું હતું કે BCCI આ નિયમ રદ કરી દેશે. પરંતુ બોર્ડે બધાને ચોંકાવતા નિર્ણય લીધો છે કે આ નિયમ હજુ 2027 ની સીઝન સુધી ચાલુ જ રહેશે.
શું છે આ ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ?
BCCI એ વર્ષ 2023 માં આ નિયમ લાગુ કર્યો હતો. આ નિયમ મુજબ ટોસ સમયે બંને ટીમના કેપ્ટને પોતાની પ્લેઈંગ 11 ની સાથે 5 સબસ્ટિટ્યૂટ ખેલાડીઓના નામ આપવાના હોય છે. મેચ દરમિયાન પરિસ્થિતિ મુજબ ટીમ આ 5 માંથી કોઈપણ 1 ખેલાડીને મેદાનમાં ઉતારી શકે છે અને તેના બદલે પ્લેઈંગ 11 નો કોઈ એક ખેલાડી બહાર બેસી જાય છે. આમ જોવા જઈએ તો ટીમને 11 ના બદલે 12 ખેલાડીઓ રમાડવાની છૂટ મળે છે.
રોહિત અને કોહલીએ કેમ કર્યો હતો વિરોધ?
IPL 2024 દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓએ આ નિયમ સામે નારાજગી વ્યક્ત કરી હતી. રોહિત શર્માનું કહેવું હતું કે આ નિયમને કારણે ભારતના ઓલરાઉન્ડર ખેલાડીઓને નુકસાન થઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે, શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને બોલિંગ કરવાની તક જ મળતી નથી, કારણ કે ટીમ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સ્પેશિયાલિસ્ટ બોલર કે બેટ્સમેનને મેદાનમાં ઉતારી દે છે. વળી, વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ નિયમે બોલર અને બેટ્સમેન વચ્ચેનું સંતુલન બગાડી નાખ્યું છે. ગઈ સીઝનમાં આ નિયમને કારણે જ 250 થી વધુનો સ્કોર 8 વખત બન્યો હતો અને બોલરોની ખૂબ ધોલાઈ થઈ હતી.
વિરોધ છતાં BCCI એ કેમ ચાલુ રાખ્યો નિયમ?
તાજેતરમાં જ BCCI એ ઘરેલુ T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી આ નિયમ હટાવી દીધો હતો, જેથી લાગતું હતું કે IPL માંથી પણ તે નીકળી જશે. પરંતુ બ્રોડકાસ્ટર્સ (JioCinema અને Star Sports) અને દર્શકોને આ નિયમ ખૂબ જ પસંદ આવ્યો છે. ટીવી પર મેચ જોતા દર્શકોને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને હાઈ-સ્કોરિંગ મેચો જોવાની મજા આવે છે, જેનાથી TRP ખૂબ ઊંચી રહે છે. 2023 થી 2027 સુધીનો મીડિયા રાઈટ્સનો કોન્ટ્રાક્ટ હોવાથી, BCCI એ દર્શકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને 2027 સુધી આ નિયમ ચાલુ રાખવાનો ફેંસલો કર્યો છે.
આ ઉપરાંત BCCI એ ટીમોને મહત્તમ 6 ખેલાડીઓ રિટેન કરવાની છૂટ આપી છે અને ઓક્શન માટે ટીમોનું બજેટ વધારીને 120 કરોડ રૂપિયા કરી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે 2025 માં ટીમો આ નિયમનો કેવી રીતે ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: Virat Kohli Family : પત્ની અનુષ્કાને તો આખી દુનિયા જાણે છે, પણ વિરાટના પરિવારમાં બીજું કોણ-કોણ છે?