શ્રીલંકા સામે રમાઈ રહેલી ગાલે ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેન દેવદત્ત પડિક્કલે શાનદાર પ્રદર્શન કર્યું છે.26 વર્ષીય પડિક્કલે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારીને પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાને ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે.પડિક્કલ લાંબા સમય બાદ ભારત માટે ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતર્યા હતા.આ પહેલાં તેમણે છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2024માં રમી હતી.ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રન બનાવ્યા બાદ શ્રીલંકા પ્રવાસમાં મળેલી આ તકને તેમણે બંને હાથે ઝડપી લીધી હતી.ડાબોડી બેટ્સમેન માટે આ ઇનિંગ માત્ર સદી સુધી પહોંચવાની નહોતી,પરંતુ ગાલેની મુશ્કેલ પિચ,આકરી ગરમી, અસહ્ય ભેજ અને થાક સામે લડવાની પણ હતી.
ત્રીજા સેશનમાં બેટિંગ સરળ ન હોતી :પડિક્કલ
બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દેવદત્ત પડિક્કલે જણાવ્યું કે ત્રીજા સેશન સુધી બેટિંગ કરવી સરળ નહોતી.ગાલેની આકરી ગરમી અને અસહ્ય ભેજના કારણે શરીરમાંથી સતત પરસેવો વહી રહ્યો હતો અને ડીહાઈડ્રેશનની સાથે થાક પણ વધી રહ્યો હતો.તેમણે કહ્યું.મારા માટે આ ઇનિંગમાં સૌથી મહત્ત્વની બાબત ધૈર્ય હતી.ત્રીજા સેશનમાં ખૂબ થાક લાગતો હતો,પરંતુ આવા સમયે જાતને સંભાળીને આગળ વધારવી જરૂરી હતી.પડિક્કલે એમ પણ સ્વીકાર્યું કે 90 રન વટાવ્યા પછી પ્રથમ ટેસ્ટ સદીનું દબાણ અનુભવાતું હતું અને તેઓ થોડા નર્વસ પણ થયા હતા,પરંતુ આખરે સદી પૂર્ણ થતાં મોટી રાહત મળી હતી.
