ભારતીય ક્રિકેટમાં અવારનવાર એવા રેકોર્ડ બને છે, જેની લાંબા સમય સુધી ચર્ચા થાય છે. આવો જ એક મોટો રેકોર્ડ ભારતીય મહિલા ક્રિકેટરે પોતાના નામે કર્યો છે. વિદર્ભની બેટર દિશા કસાટે મહિલા T20 ક્રિકેટમાં એવી સિદ્ધિ મેળવી છે, જે આજ સુધી કોઈ ભારતીય મહિલા બેટર કરી શકી નહોતી. તેણે એક જ ઇનિંગમાં 10 છગ્ગા ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે તેણે સ્ટાર ભારતીય બેટર શેફાલી વર્માનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.એક તરફ 14 નવેમ્બરના રોજ ભારતીય અંડર-19 ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2026નો ખિતાબ જીત્યો હતો, તો બીજી તરફ ઘરેલુ ક્રિકેટમાં દિશા કસાટની તોફાની બેટિંગ ચર્ચાનો વિષય બની હતી. ખાસ વાત એ છે કે દિશા પોતાની ઇનિંગમાં સદી ફટકારવાથી માત્ર 9 રન દૂર રહી ગઈ હતી.
54 બોલમાં 91 રન, ફટકાર્યા 10 છગ્ગા
હાલમાં સિનિયર મહિલા T20 ટ્રોફી રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં 14 નવેમ્બરના રોજ વિદર્ભ અને દિલ્હી વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં વિદર્ભ તરફથી રમતી દિશા કસાટે પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.દિશાએ માત્ર 54 બોલમાં 91 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 10 છગ્ગા અને 2 ચોગ્ગા આવ્યા હતા. આ પ્રદર્શન સાથે તે એક મહિલા T20 ઇનિંગમાં 10 છગ્ગા ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બેટર બની ગઈ છે.દિશાની આ ઇનિંગનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની આક્રમક બેટિંગની ચર્ચા વધુ વધી ગઈ હતી.
શેફાલી વર્માનો રેકોર્ડ તોડ્યો
દિશા કસાટની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે, કારણ કે તેણે ભારતીય મહિલા ક્રિકેટની સ્ટાર બેટર શેફાલી વર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે.શેફાલી વર્માએ એશિયન ગેમ્સ 2026 દરમિયાન બાંગ્લાદેશ સામે સદી ફટકારતી વખતે એક ઇનિંગમાં 9 છગ્ગા માર્યા હતા. અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા બેટર T20ની એક ઇનિંગમાં આટલા છગ્ગા ફટકારી શકી નહોતી. જોકે, દિશાએ 10 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.જો સમગ્ર મહિલા T20 ક્રિકેટની વાત કરીએ તો એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાની બેટર લિઝેલ લીના નામે છે. તેણે વર્ષ 2024માં એક ઇનિંગમાં 12 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે દિશા હવે આ યાદીમાં પણ ખાસ સ્થાન ધરાવે છે.
https://x.com/BCCIdomestic/status/2121565192521945112?a=WkzniGPXknxPIwylhB4&s=20
દિશાની ઇનિંગથી વિદર્ભનો શાનદાર વિજય
દિશા કસાટની આક્રમક બેટિંગના કારણે વિદર્ભની ટીમે દિલ્હી સામે 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમે 169 રન બનાવ્યા હતા.જવાબમાં વિદર્ભે 170 રનનો લક્ષ્યાંક 18મી ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. દિશાની 91 રનની ઇનિંગ ટીમની જીતમાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
WPL ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી
દિશા કસાટ માટે આ સમયગાળો વધુ ખાસ બની ગયો છે. તાજેતરમાં યોજાયેલા મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPLના ઓક્શનમાં બે વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે તેને 10 લાખ રૂપિયામાં ખરીદી છે.આ પહેલાં દિશા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ભાગ હતી. જોકે, WPLમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. બે સિઝનમાં તેણે 10 મેચમાંથી 5 ઇનિંગ રમીને માત્ર 11 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે 3 વખત ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ હતી.હવે દિશા નવી ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સાથે પોતાની કારકિર્દીને નવી દિશા આપવા માગશે. ઘરેલુ ક્રિકેટમાં 10 છગ્ગા ફટકારીને બનાવેલો આ રેકોર્ડ તેના આત્મવિશ્વાસમાં ચોક્કસ વધારો કરશે.
આ પણ વાંચો - U-19 Asia Cup : ભારતની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, સહેવાગે પુત્ર માટે કહી મોટી વાત