ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલનો કોચ તરીકેનો સમયગાળો સૌથી વધુ વિવાદિત માનવામાં આવે છે. હવે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે એ સમયગાળા વિશે અત્યાર સુધીના સૌથી મોટા ખુલાસા કર્યા છે. હરભજન સિંહે એક પોડકાસ્ટમાં ગ્રેગ ચેપલને ભારતીય ટીમના મુખ્ય કોચ બનાવવાના નિર્ણયને BCCI નો સૌથી ખરાબ નિર્ણય ગણાવ્યો છે અને ચેપલ પર ટીમમાં 'ભાગલા પાડો અને રાજ કરો'ની ગંદી નીતિ અપનાવવાનો સંગીન આરોપ લગાવ્યો છે.
ડ્રેસિંગ રૂમનો માહોલ ઝેરી બની ગયો હતો
હરભજન સિંહે ખુલાસો કરતા કહ્યું કે ગ્રેગ ચેપલના જૂન 2005માં આવ્યા પહેલા ભારતીય ટીમનો ડ્રેસિંગ રૂમ ખુબ મજબૂત અને ખેલાડીઓ વચ્ચે એકતા વાળો હતો. 2003ના વનડે વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચેલી ટીમમાં અદ્ભુત તાલમેલ હતો. પરંતુ ચેપલે પદ સંભાળતા જ ખેલાડીઓ વચ્ચે એવો અવિશ્વાસ ઊભો કરી દીધો કે સાથે રમતા ખેલાડીઓ એકબીજા સાથે વાત કરતા પણ ડરવા લાગ્યા હતા. ખેલાડીઓ વચ્ચેના પાયાના સંબંધો જ ખતમ થઈ ગયા હતા.
સૌરવ ગાંગુલી અને સચિન સાથે ગંદી રાજનીતિ
હરભજનના જણાવ્યા અનુસાર, કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ચેપલે જે વર્તણૂક કરી તે શરમજનક હતી. ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ગાંગુલીને ટીમ બહાર કરવાનો પ્રસ્તાવ મૂક્યા બાદ વિવાદ વકર્યો હતો અને ચેપલે બોર્ડને ઈમેઈલ મોકલીને ગાંગુલીની કપ્તાની અને ફિટનેસ પર સવાલો ઉઠાવ્યા હતા. આ ઈમેઈલ લીક થતાં ભારતીય ક્રિકેટમાં મોટો વિસ્ફોટ થયો હતો. એટલું જ નહીં, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે પણ ચેપલે ગેમ રમી હતી. 2007ના વર્લ્ડ કપ પહેલાં ચેપલે સચિનને રાહુલ દ્રવિડની જગ્યાએ કપ્તાની લેવા અને સાથે મળીને ભારતીય ક્રિકેટ પર કંટ્રોલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
2007ના વર્લ્ડ કપમાં શરમજનક હાર સાથે ચેપલ યુગનો અંત
ગ્રેગ ચેપલની આ ખરાબ વ્યૂહરચનાના કારણે ટીમ ઈન્ડિયા મેદાન પર એક થઈને રમી શકી નહીં. પરિણામે 2007 ના વનડે વર્લ્ડ કપમાં ભારતનો શરમજનક પરાજય થયો હતો. બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે હારીને ભારત ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગયું હતું. આ ભયાનક પ્રદર્શન બાદ ગ્રેગ ચેપલને હાંકી કાઢવામાં આવ્યા હતા. હરભજને સ્પષ્ટ કહ્યું કે ચેપલે ભારતીય ક્રિકેટને જે નુકસાન પહોંચાડ્યું તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
આ પણ વાંચો: IND vs NZ સિરીઝમાં ડેબ્યૂ કરશે નવી 'સોનિક' ટેકનોલોજી, હવે થર્ડ અમ્પાયરની મિલીમીટરની ભૂલ પણ પકડાઈ જશે!