લીડ્સના હેડિંગ્લી મેદાન પર રમાયેલી ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડેમાં એક સમયે ઈંગ્લેન્ડની જીત લગભગ નિશ્ચિત લાગી રહી હતી. જોકે, જોસ બટલરને ઈજા થતાં મેચનું સમગ્ર ચિત્ર બદલાઈ ગયું અને શ્રીલંકાએ 16 રને જીત મેળવી.શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે શાનદાર સદી ફટકારીને ટીમને 321 રન સુધી પહોંચાડી. ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા મેન્ડિસે માત્ર 100 બોલમાં 121 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ તેમની વનડે કારકિર્દીની 7મી સદી હતી.શ્રીલંકાના આ સ્કોરમાં કામિન્દુ મેન્ડિસે 54 અને પવન રત્નાયકે 48 રનનું યોગદાન આપ્યું. ઈંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સન અને રેહાન અહમદે 2-2 વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડની ધમાકેદાર શરૂઆત

321 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે જોરદાર શરૂઆત કરી હતી. ટોમ બેન્ટને 73 અને બેન ડકેટે 67 રનની શાનદાર ઇનિંગ્સ રમી. બંનેએ શરૂઆતમાં 140થી વધુ રનની ભાગીદારી કરી હતી.જોકે, ત્યારબાદ માત્ર 60 રનની અંદર ઈંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવી દીધી. જો રૂટ પણ આ દરમિયાન આઉટ થયો. શ્રીલંકાના યુવા સ્પિનર દુનિથ વેલ્લાલાગેએ 3 મહત્વની વિકેટ ઝડપી.બીજી તરફ જોસ બટલરે આક્રમક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 36 બોલમાં અડધી સદી પૂરી કરી. બટલર ક્રિઝ પર હતા ત્યાં સુધી ઈંગ્લેન્ડની જીતની આશા મજબૂત હતી.

https://x.com/KaviSenu/status/2103212783567311323?s=20


બટલરની ઈજાએ બદલી મેચ

મેચનો સૌથી મહત્વનો વળાંક 38મી ઓવરમાં આવ્યો. ત્રીજા બોલ બાદ જોસ બટલર ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયા. તે સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 254/4 હતો અને ટીમને 75 બોલમાં માત્ર 66 રનની જરૂર હતી.આ પછી શ્રીલંકાના બોલરોએ શાનદાર વાપસી કરી. ઈંગ્લેન્ડના બેટર્સ સતત દબાણમાં આવતા ગયા અને અંતિમ 12.3 ઓવરમાં ટીમ માત્ર 2 બાઉન્ડ્રી જ ફટકારી શકી.બટલર 49મી ઓવરમાં ફરી બેટિંગ કરવા આવ્યા અને 69 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. તેમ છતાં તેઓ ટીમને જીત અપાવી શક્યા નહીં. ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 305 રન સુધી જ પહોંચી અને શ્રીલંકાએ 16 રને મેચ જીતી લીધી.આ જીત સાથે શ્રીલંકાએ પ્રવાસની પ્રથમ જીત નોંધાવી, જ્યારે હેડિંગ્લીમાં ઈંગ્લેન્ડની વનડેમાં આ સતત ચોથી હાર બની.

આ પણ વાંચો - ENGLANDના ક્રિકેટર રોબિન દાસ સામે દુષ્કર્મના 2 આરોપ, 9 ઓક્ટોબરે કોર્ટમાં થશે હાજર