ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ ટીમ એસેક્સના 24 વર્ષીય બેટ્સમેન રોબિન દાસ સામે દુષ્કર્મના 2 આરોપ લગાવવામાં આવ્યા છે. આ કેસમાં દાસ 9 ઓક્ટોબરે ઇનર લંડન ક્રાઉન કોર્ટમાં હાજર થશે. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ 30 માર્ચ 2024ના રોજ લંડનના બ્રિક્સટનમાં એક મહિલાએ દુષ્કર્મ અંગે કરેલી ફરિયાદ સાથે જોડાયેલો છે.પોલીસના જણાવ્યા મુજબ રોબિન દાસની 27 ઓગસ્ટ 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 23 જુલાઈ 2026ના રોજ તેની સામે દુષ્કર્મના 2 આરોપમાં ચાર્જ લગાવવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું છે કે ફરિયાદ કરનાર મહિલાને સ્પેશિયાલિસ્ટ અધિકારીઓ દ્વારા મદદ આપવામાં આવી રહી છે. 

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે રોબિન દાસ સામે હાલ માત્ર આરોપ અને કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. કોર્ટમાં કેસની સુનાવણી હજુ બાકી છે અને આરોપ સાબિત થયો નથી.

ચાર્જ લાગ્યા બાદ એસેક્સે કર્યું સસ્પેન્ડ

રોબિન દાસ સામે ચાર્જ લાગ્યા બાદ એસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબે તેને સસ્પેન્ડ કરી દીધો હતો. ક્લબે પોતાના નિવેદનમાં ખેલાડીનું નામ જાહેર કર્યું નહોતું, પરંતુ કહ્યું હતું કે કરાર હેઠળનો એક ખેલાડી ક્રિકેટની બહાર બનેલી ઘટનાને લઈને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. ક્લબે જણાવ્યું હતું કે તે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ, પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિયેશન, ક્રિકેટ રેગ્યુલેટર અને ખેલાડી સાથે સતત સંપર્કમાં છે. ક્લબે એ પણ કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હોવાથી તે આ મામલે વધુ ટિપ્પણી કરી શકે તેમ નથી.

21 જુલાઈએ રમ્યો હતો છેલ્લી મેચ

રોબિન દાસે એસેક્સ માટે 2026માં છેલ્લે 21 જુલાઈએ મિડલસેક્સ સામે વન-ડે કપની મેચ રમી હતી. આ મેચમાં તેણે 29 રન બનાવ્યા હતા. તેના 2 દિવસ બાદ એટલે કે 23 જુલાઈએ તેની સામે ચાર્જ લગાવવામાં આવ્યા હતા. ત્યારથી તે એસેક્સ માટે રમ્યો નથી. દાસ એસેક્સ માટે તમામ ફોર્મેટમાં 60થી વધુ મેચ રમી ચૂક્યો છે. તેણે 9 ફર્સ્ટ ક્લાસ, 29 લિસ્ટ-A અને 24 T20 મેચ રમી છે. તે જમોડી બેટ્સમેન છે. તેને 2022માં લોર્ડ્સ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમ માટે સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાનમાં ઉતરવાની તક પણ મળી હતી, જોકે તેણે ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.

9 ઓક્ટોબરે કોર્ટમાં થશે સુનાવણી

આ કેસની આગામી મહત્વની તારીખ 9 ઓક્ટોબર છે. તે દિવસે રોબિન દાસ ઇનર લંડન ક્રાઉન કોર્ટમાં હાજર થશે. અગાઉ 11 સપ્ટેમ્બરે તેનો કેસ ક્રોયડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ક્રાઉન કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો.હાલ એસેક્સ ક્લબે દાસનું સસ્પેન્શન ચાલુ રાખ્યું છે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મામલે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.

આ પણ વાચો: ROHIT SHARMA સાથેના સંબંધો પર ગંભીરનો મોટો ખુલાસો,જાણો શું કહ્યું ગંભીરે ?