ઈંગ્લેન્ડ સામેની ટી20 અને વનડે સીરિઝ પહેલાં શ્રીલંકાની ટીમમાં અચાનક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટીમમાં સામેલ 2 ખેલાડીઓને ઈજાના કારણે બહાર કરી દીધા છે.આ બંને ખેલાડીઓમાં શ્રીલંકાની ટી20 ટીમના કેપ્ટન કુસલ મેન્ડિસ અને ઝડપી બોલર બિનુરા ફર્નાન્ડોનો સમાવેશ થાય છે.બંને ખેલાડીઓ લંકા પ્રીમિયર લીગ એટલે કે LPL 2026 દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.હાલમાં બંને ખેલાડીઓ સારવાર અને પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.તેમની ઈજાને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડ સામેની 3 મેચની ટી20 સીરિઝ માટે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કુસલ મેન્ડિસ અને બિનુરા ફર્નાન્ડો બહાર

શ્રીલંકા ક્રિકેટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કુસલ મેન્ડિસને હેમસ્ટ્રિંગની ઈજા થઈ છે, જ્યારે બિનુરા ફર્નાન્ડોને પીઠમાં ઈજા થઈ છે. આ કારણે બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં.કુસલ મેન્ડિસ શ્રીલંકાની વનડે ટીમના પણ કેપ્ટન છે. તેથી તેમની ઈજા માત્ર ટી20 શ્રેણી પૂરતી જ નહીં પરંતુ આગામી વનડે સીરિઝ માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. જોકે હાલમાં તેમને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા નથી. તેમની ફિટનેસ અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

ચારિથ અસલંકાને ટી20 ટીમની કેપ્ટનશિપ

કુસલ મેન્ડિસની ગેરહાજરીમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ચારિથ અસલંકાને ટી20 ટીમના નવા કેપ્ટન બનાવ્યા છે. અસલંકા અગાઉ પણ શ્રીલંકાની ટી20 ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને હવે ઈંગ્લેન્ડ સામેની મહત્વની સીરિઝમાં તેમની સામે ટીમને સંભાળવાનો પડકાર રહેશે.મેન્ડિસ અને બિનુરા ફર્નાન્ડોની જગ્યાએ પવન રથનાયકે અને દિલશાન મદુશંકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ માટે આ સીરિઝ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરવાની મહત્વની તક બની શકે છે.

https://x.com/ICC/status/2095179257119178916?s=20


ઈંગ્લેન્ડ સામે 3 ટી20 મેચ

શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 સીરિઝની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થશે. પ્રથમ ટી20 મેચ સાઉથહેમ્પ્ટનમાં રમાશે. ત્યારબાદ બીજી મેચ 17 સપ્ટેમ્બરે કાર્ડિફમાં અને ત્રીજી તથા અંતિમ ટી20 મેચ 19 સપ્ટેમ્બરે મેનચેસ્ટરમાં રમાશે.આ શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સીરિઝ પણ રમાશે. વનડે સીરિઝ ની શરૂઆત 22 સપ્ટેમ્બરે ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં થશે. બીજી વનડે 24 સપ્ટેમ્બરે લીડ્સમાં અને ત્રીજી વનડે 27 સપ્ટેમ્બરે ધ ઓવલ ખાતે રમાશે.

શ્રીલંકાની બદલાયેલી ટી20 ટીમ

ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરિઝ માટે શ્રીલંકાની બદલાયેલી ટીમમાં ચારિથ અસલંકા કેપ્ટન તરીકે, પથુમ નિસાંકા, કામિલ મિશારા, લાહિરુ ઉદારા, કામિન્દુ મેન્ડિસ, જનિથ લિયાનાગે, દસુન શનાકા, દુનિથ વેલ્લાલાગે, વાનિન્દુ હસરંગા, મહેશ થીક્ષાના, થારિન્દુ રથનાયકે, દુષ્મંથા ચમીરા, ઈશાન મલિંગા, નુવાન તુષારા અને દિલશાન મદુશંકાનો સમાવેશ થાય છે.હવે શ્રીલંકાની ટીમની નજર ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરિઝમાં સારા પ્રદર્શન પર રહેશે. બીજી તરફ કુસલ મેન્ડિસની ફિટનેસ પર પણ સૌની નજર રહેશે, કારણ કે તેઓ વનડે ટીમના મહત્વના ખેલાડી અને કેપ્ટન છે.

આ પણ વાંચો - Asia Cup 2026 : ભારત vs પાકિસ્તાન મેચ ક્યારે અને કેટલા વાગ્યે શરૂ થશે? નોંધી લો તારીખ