મહિલા એશિયા કપ 2026માં હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચની રાહ જોવાઈ રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોતાના પ્રથમ બંને મુકાબલા જીતીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે ટીમ ઈન્ડિયાની નજર પાકિસ્તાન સામેની મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવા પર રહેશે.ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ક્રિકેટ ચાહકો માટે હંમેશાં ખાસ રહે છે. આ વખતે પણ બંને ટીમો વચ્ચેની મેચને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. જો તમે આ મેચ જોવા માંગતા હોવ તો તેની તારીખ અને સમય નોંધી લો.

ભારતે થાઈલેન્ડ અને હૉંગકૉંગને હરાવ્યા

ભારતીય મહિલા ટીમે એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત થાઈલેન્ડ સામે કરી હતી.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ થાઈલેન્ડને 94 રનથી હરાવીને ટુર્નામેન્ટમાં વિજય સાથે શરૂઆત કરી હતી.ત્યારબાદ ભારતીય ટીમનો મુકાબલો હૉંગકૉંગ ચાઈના સામે થયો હતો. આ મેચમાં પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમે 137 રનની મોટી જીત મેળવી હતી.આ બે જીત સાથે ભારતના ખાતામાં 4 પોઈન્ટ થઈ ગયા છે.ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે અને સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ પણ બની છે.

5 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મેચ

હવે ભારતીય મહિલા ટીમનો સામનો પાકિસ્તાન સામે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 5 સપ્ટેમ્બર શનિવારે રમાશે.મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે.ભારતીય સમય અનુસાર મેચની શરૂઆત રાત્રે 8:00 વાગ્યે થશે.જ્યારે મેચનો ટોસ તેના અડધા કલાક પહેલાં એટલે કે સાંજે 7:30 વાગ્યે થશે.જો મેચ સંપૂર્ણ 20 ઓવર સુધી ચાલે અને વચ્ચે કોઈ વિક્ષેપ ન આવે તો મુકાબલો લગભગ રાત્રે 11:00થી 11:30 વાગ્યા સુધી ચાલી શકે છે.

https://x.com/SonySportsNetwk/status/2094386048596087164?s=20

પાકિસ્તાને પણ જીતથી શરૂઆત કરી

પાકિસ્તાનની ટીમે પણ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. તેના ખાતામાં હાલમાં 2 પોઈન્ટ છે. હવે પાકિસ્તાનનો સામનો મજબૂત ભારતીય ટીમ સામે થશે.ભારતીય ટીમના ખેલાડીઓ હાલમાં આત્મવિશ્વાસથી ભરપૂર છે. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્મા જેવા ખેલાડીઓ પર ચાહકોની નજર રહેશે.

બંને ટીમમાં આ ખેલાડીઓ

ભારતીય ટીમ : સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતીકા રાવલ, હરમનપ્રીત કૌર, ભારતી ફુલમાલી, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પ્રેમાં રાવત, નંદની શર્મા, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ, ગુંજનાલ કમલિની, રેણુકા સિંહ ઠાકુર, અરુણધતિ રેડ્ડી અને રાધા યાદવનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનની ટીમ  : સદફ શમાસ, ગુલ ફિરોઝા, ઈમાન ફાતિમા, આયેશા જફર, મુનીબા અલી, ફાતિમા સના, નશરા સંધુ, સાદિયા ઈકબાલ, તુબા હસન, વાહિદા અખ્તર, શવાલ ઝુલ્ફિકાર, સાયરા જબીન, મોમીના રિયાસત, ઉમ્મ-એ-હાની અને ઈમાન નાસિર સામેલ છે.

આ પણ વાંચો - Smriti Mandhana statement : 'મને તો ખબર જ નહોતી...’ ઐતિહાસિક પારી બાદ સ્મૃતિ મંધાનાનું મોટું નિવેદન!