મહિલા ટી20 એશિયા કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં હૉંગકૉંગ ચાઈના સામે 137 રનની મોટી જીત મેળવી હતી. ગ્રુપ-Aની આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતની સૌથી મોટી હીરો સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના રહી હતી. મંધાનાએ શાનદાર બેટિંગ કરતાં 124 રનની ઐતિહાસિક સદી ફટકારી હતી.આ ધમાકેદાર ઇનિંગ દરમિયાન સ્મૃતિ મંધાનાએ અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. 

સ્મૃતિ મંધાનાએ કર્યો કમાલ

મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બનીને તેમણે પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી દીધી હતી. આ ઉપરાંત ત્રણેય ફોર્મેટને મળીને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારી મહિલા ખેલાડી બનવાનો રેકોર્ડ પણ મંધાનાએ પોતાના નામે કર્યો છે.જોકે આટલા મોટા રેકોર્ડ બનાવ્યા બાદ પણ સ્મૃતિ મંધાનાનું ધ્યાન માત્ર ટીમની જીત પર હતું. મેચ બાદ તેમણે પોતાના રેકોર્ડ અંગે એવી વાત કહી કે તેમના ચાહકો પણ ખુશ થઈ ગયા.

‘મને આ રેકોર્ડ વિશે કંઈ ખબર નહોતી’

હૉંગકૉંગ ચાઈના સામેની મેચ બાદ બીસીસીઆઈએ સ્મૃતિ મંધાનાનો એક વીડિયો શેર કર્યો હતો.તેમાં મંધાનાએ કહ્યું હતું કે તેમને મેચ દરમિયાન બની રહેલા રેકોર્ડ વિશે કોઈ જાણકારી નહોતી.મંધાનાએ જણાવ્યું કે તેમનું કામ માત્ર રન બનાવવાનું છે.કયો રેકોર્ડ તૂટી રહ્યો છે અથવા કયો નવો રેકોર્ડ બની રહ્યો છે તેના વિશે તેઓ વિચારતા નથી. તેમના માટે દેશ માટે મેચ જીતવી સૌથી મહત્વપૂર્ણ છે.તેમણે કહ્યું કે ખેલાડી તરીકે તમે કેટલા રેકોર્ડ બનાવ્યા તેના કરતાં દેશ માટે કેટલી મેચ જીતી તે વધુ મહત્વનું છે.કારણ કે કારકિર્દી બાદ ખેલાડીને પોતાની ટીમ માટે મેળવેલી જીત વધુ યાદ રહે છે.

https://x.com/BCCIWomen/status/2095734002691047692?s=20

સ્મૃતિ મંધાનાએ શું કહ્યું

સ્મૃતિ મંધાનાએ પોતાની કારકિર્દી અંગે પણ મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે એક સમયે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કરશે.મંધાનાએ કહ્યું કે આ સિદ્ધિ ચોક્કસપણે સારી લાગણી આપે છે. સાથે જ તેમણે ઉમેર્યું કે તે હજુ 30 વર્ષની છે અને તેમની પાસે ક્રિકેટ રમવા માટે હજુ ઘણા વર્ષો બાકી છે. એટલે ભવિષ્યમાં તે વધુ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

https://x.com/M_Raj03/status/2095542913162002594?s=20

મિતાલી રાજને આદર્શ માને છે

મંધાનાએ મિતાલી રાજને પાછળ છોડીને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જોકે રેકોર્ડ તોડ્યા બાદ પણ મંધાનાએ મિતાલી રાજને પોતાના આદર્શ ગણાવ્યા હતા.મંધાનાએ કહ્યું કે તેઓ અને તેમની પેઢીના ઘણા ખેલાડીઓ મિતાલી રાજને રમતા જોઈને મોટા થયા છે. મિતાલી તેમના માટે હંમેશાં પ્રેરણારૂપ રહી છે.બીજી તરફ મિતાલી રાજે પણ મંધાનાની આ સિદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર મંધાનાને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે એક યુવા ખેલાડીમાંથી ભારતની શ્રેષ્ઠ બેટર્સમાંની એક બનતી મંધાનાની સફર જોવી તેમના માટે ગર્વની વાત છે.મિતાલીએ મંધાનાને આગળ પણ આ જ રીતે રન બનાવતા રહેવા અને નવા મુકામ હાંસલ કરવાની શુભેચ્છા આપી હતી.સ્મૃતિ મંધાનાની 124 રનની ઇનિંગ માત્ર ટીમ ઈન્ડિયાની મોટી જીતનું કારણ જ બની નહોતી, પરંતુ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવો અધ્યાય પણ લખી ગઈ છે.

આ પણ વાંચો - Pakistan Cricket : ફરી ઉડ્યા પાકિસ્તાનના ધજાગરા, PCB મામલે નાસિર હુસૈન મોહસિન નકવી પર બગડ્યા