વુમન્સ એશિઝમાં ઓસ્ટ્રેલિયા સામે પડકાર માટે તૈયારી કરી રહેલું ઈંગ્લેન્ડ પોતાની રેડ-બોલ તૈયારીને મજબૂત બનાવવા માટે મોટું પગલું ભરી શકે છે.ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ એટલે કે ECB વેસ્ટ ઈન્ડીઝની ધરતી પર રમાનારી મહિલા ટેસ્ટ મેચને સુનિશ્ચિત કરવા માટે આર્થિક મદદ આપવાનું વિચારી રહ્યું છે.જો ECB આ ટેસ્ટ માટે નાણાકીય મદદ કરે છે,તો મહિલા ક્રિકેટમાં આ એક અસામાન્ય પગલું ગણાશે.જોકે હાલ ECB અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચ રદ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. ઈંગ્લેન્ડ બોર્ડને હજુ પણ આશા છે કે આ મેચ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે રમાશે.
2027ની શરૂઆતમાં યોજાશે ટેસ્ટ
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેનો મહિલા ટેસ્ટ 2027ની શરૂઆતમાં યોજાનારી મલ્ટી-ફોર્મેટ શ્રેણીનો ભાગ છે.આ પ્રવાસમાં ટેસ્ટ ઉપરાંત 3 T20I અને 3 ODI મેચ પણ સામેલ છે.આ સમગ્ર પ્રવાસ એપ્રિલ અને મે 2027 દરમિયાન યોજાવાનો પ્રસ્તાવ છે.જોકે ટેસ્ટ સહિત અન્ય મેચોની ચોક્કસ તારીખ અને સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યા નથી.આ ટેસ્ટ ઈંગ્લેન્ડ માટે ખાસ મહત્વની છે,કારણ કે ત્યારબાદ ટીમ વુમન્સ એશિઝની તૈયારી કરશે.2027ની વુમન્સ એશિઝની શરૂઆત જૂનમાં હેડિંગ્લે ખાતે એકમાત્ર ટેસ્ટથી થવાની છે.
વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ બોર્ડ સામે આર્થિક પડકાર
ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ હાલમાં ખર્ચ ઘટાડવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે.બોર્ડે તાજેતરમાં ખેલાડીઓના કરારોમાં ઘટાડા સહિત કેટલાક ખર્ચ ઘટાડવાના નિર્ણયો જાહેર કર્યા હતા.આ પહેલાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રસ્તાવિત મહિલા ટેસ્ટ પણ રદ કરવામાં આવ્યો હતો.જોકે બંને ટીમો વચ્ચેની ODI અને T20 મેચો નિર્ધારિત કાર્યક્રમ મુજબ રમાઈ હતી.વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ દરમિયાન લોજિસ્ટિક ખર્ચ પણ મોટો મુદ્દો બને છે.કેરેબિયન વિસ્તારમાં અલગ-અલગ ટાપુઓ વચ્ચે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને હવાઈ મુસાફરી કરવી પડે છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝના જણાવ્યા અનુસાર છેલ્લા 15 વર્ષમાં માત્ર સ્થાનિક હવાઈ મુસાફરી પાછળ જ 80 મિલિયન ડોલરથી વધુ ખર્ચ થયો છે.
ECB ટેસ્ટ માટે નાણાકીય મદદ કરશે?
સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં યજમાન બોર્ડ મહેમાન ટીમના પ્રવાસ અને રહેવા સહિતના લોજિસ્ટિક ખર્ચની વ્યવસ્થા કરે છે.પરંતુ વેસ્ટ ઈન્ડીઝમાં આ ખર્ચ વધારે થઈ શકે છે.ECBના ચેરમેન રિચર્ડ થૉમ્પસને BBC સ્પોર્ટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમને આશા છે કે મહિલા ટેસ્ટ ચોક્કસ રમાશે. જો ટેસ્ટ મેચ યોજવા માટે આર્થિક મદદની જરૂર પડે તો ECB આવી સ્થિતિમાં મદદ અંગે વિચાર કરશે.ઈંગ્લેન્ડ માટે આ ટેસ્ટ મહત્વની છે કારણ કે ટીમને એશિઝ પહેલા રેડ-બોલ ક્રિકેટની પૂરતી તૈયારી કરવાની જરૂર છે.
ભારતામાં પણ રેડ-બોલ કેમ્પ યોજાશે
ઈંગ્લેન્ડ મહિલા ટીમ એશિઝ માટે માત્ર વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ પર નિર્ભર નહીં રહે. ટીમ જાન્યુઆરીમાં ભારતમાં 10 દિવસનો રેડ-બોલ ટ્રેનિંગ કેમ્પ પણ યોજવાની તૈયારીમાં છે.આ તૈયારીનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે 2025ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મહિલા એશિઝમાં ઈંગ્લેન્ડે તમામ મેચ ગુમાવી હતી. ત્યારથી ઈંગ્લેન્ડે માત્ર એક ટેસ્ટ મેચ રમી છે.આ વર્ષે લોર્ડ્સમાં ભારત સામે રમાયેલી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી ટીમ મેનેજમેન્ટ એશિઝ પહેલા વધુ રેડ-બોલ ક્રિકેટ રમવા માંગે છે.
1979 બાદ ફરી ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડીઝ મહિલા ટેસ્ટ મેચ?
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝની મહિલા ટીમો વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ 1979માં રમાઈ હતી. એટલે કે બંને ટીમો વચ્ચે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં લાંબો અંતર રહ્યો છે.વેસ્ટ ઈન્ડીઝની મહિલા ટીમે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2004માં પાકિસ્તાન સામે રમી હતી. હવે જો 2027માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ યોજાય છે, તો તે વેસ્ટ ઈન્ડીઝ મહિલા ક્રિકેટ માટે પણ મહત્વપૂર્ણ રેડ-બોલ મુકાબલો બનશે.એશિઝ પહેલા પોતાની ટીમને ટેસ્ટ ક્રિકેટનો અનુભવ આપવા માટે ઈંગ્લેન્ડ આ મુકાબલાને મહત્વ આપી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે આ ટેસ્ટ માટે ECB તરફથી આર્થિક મદદની જરૂર પડે છે કે નહીં અને મેચ નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાય છે કે નહીં.
આ પણ વાંચો - Harmanpreet Kaurએ છોડી કેપ્ટનશિપ,હવે કોણ સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન?