ક્રિકેટ અને સિનેમાનો સંબંધ ઘણો જૂનો છે. સામાન્ય રીતે ક્રિકેટ આધારિત ફિલ્મોમાં અભિનેતાઓ ક્રિકેટરોની ભૂમિકા ભજવતા હોય છે, પરંતુ 1953માં આવેલી બ્રિટિશ ફિલ્મ ‘The Final Test’ આ મામલે એકદમ અલગ હતી. આ ફિલ્મમાં ઇંગ્લેન્ડના કેટલાક જાણીતા ક્રિકેટરોએ પોતે જ ભાગ લીધો હતો. એટલું જ નહીં, ફિલ્મમાં બતાવવામાં આવેલી ટેસ્ટ મેચ માટે લંડનના પ્રખ્યાત ઓવલ સ્ટેડિયમ જેવો જ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સેટ એટલો વાસ્તવિક હતો કે અસલી ક્રિકેટરોને પણ થોડા સમય માટે એવું લાગ્યું હતું કે તેઓ ખરેખર ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરી રહ્યા છે.

ઓવલ સ્ટેડિયમમાં શૂટિંગની મંજૂરી ન મળી

‘The Final Test’ ફિલ્મનું નિર્દેશન એન્થની એસ્ક્વિથે કર્યું હતું, જ્યારે તેની વાર્તા ટેરેન્સ રેટિગને લખી હતી. ફિલ્મમાં સેમ પાલ્મર નામના એક વરિષ્ઠ ઇંગ્લિશ ક્રિકેટરની કહાની બતાવવામાં આવી હતી, જે પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમવાની તૈયારીમાં હોય છે. ફિલ્મની વાર્તાનું મુખ્ય કેન્દ્ર ઓવલ સ્ટેડિયમમાં રમાતી એક કાલ્પનિક એશિઝ ટેસ્ટ મેચ હતી. ફિલ્મ નિર્માતાઓ વાસ્તવિક ઓવલ મેદાનમાં શૂટિંગ કરવા માંગતા હતા, પરંતુ તેમને સ્ટેડિયમની અંદર શૂટિંગ કરવાની મંજૂરી મળી નહોતી. તેથી તેમણે બીજો રસ્તો શોધ્યો.

પાઈનવુડ સ્ટુડિયોમાં બનાવાયું ઓવલનું નકલી મેદાન

ફિલ્મ નિર્માતાઓએ પાઈનવુડ સ્ટુડિયોમાં ઓવલ સ્ટેડિયમ જેવો દેખાતો વિશાળ સેટ તૈયાર કર્યો હતો. તેમાં પેવેલિયન અને મેદાનના અન્ય ભાગોને પણ એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે તે વાસ્તવિક સ્ટેડિયમ જેવું લાગે. આ સેટની બારીકાઈ જોઈને ઇંગ્લેન્ડના જાણીતા બેટર લેન્ગ હટન પણ પ્રભાવિત થયા હતા. તેમણે પોતાની યાદોમાં ઉલ્લેખ કર્યો હતો કે સેટ પર ઉતરતી વખતે તેમને ખરેખર ટેસ્ટ મેચમાં ભાગ લઈ રહ્યા હોય તેવી લાગણી થઈ હતી.
The Final Test 1953

ફિલ્મમાં જોવા મળ્યા ઇંગ્લેન્ડના અસલી ક્રિકેટરો

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમાં ઘણા જાણીતા ઇંગ્લિશ ક્રિકેટરોએ પોતાના જ રૂપમાં ભાગ લીધો હતો. તેમાં લેન્ગ હટન, ડેનિસ કોમ્પ્ટન, એલેક્ડ બેડસર, ગોડફ્રે ઇવાન્સ, જિમ લેકર અને સિરિલ વોશબ્રુક જેવા નામ સામેલ હતા. ફિલ્મમાં રમાતી મેચ માટે જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર જ્હોન આર્લોટે કોમેન્ટરી આપી હતી. ફિલ્મ નિર્માતાઓએ BBC પાસેથી વાસ્તવિક ટેસ્ટ મેચનું રેકોર્ડિંગ પણ મેળવ્યું હતું. આ રીતે ફિલ્મમાં અભિનયથી શૂટ કરાયેલા દૃશ્યોની સાથે વાસ્તવિક ક્રિકેટ ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ફિલ્મની કહાનીમાં પિતા-પુત્રનો સંબંધ

ફિલ્મમાં સેમ પાલ્મર પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો હોય છે. તે ઇચ્છે છે કે તેનો પુત્ર રેગી તેની અંતિમ મેચ જોવા આવે, પરંતુ રેગીને ક્રિકેટ કરતાં સાહિત્ય અને કવિતામાં વધુ રસ હોય છે. તેને એક જાણીતા કવિને મળવાની તક મળે છે અને તે પિતાની મેચ જોવા જવાને બદલે આ મુલાકાતને પ્રાથમિકતા આપે છે. આગળ જતાં કવિ પોતે પણ ક્રિકેટના ચાહક હોવાનું સામે આવે છે અને રેગીને મેચ જોવા લઈ જાય છે. આ રીતે ફિલ્મ પિતા-પુત્ર વચ્ચેના સંબંધો, પેઢીઓના વિચારોમાં તફાવત અને ક્રિકેટ પ્રત્યેના પ્રેમને રજૂ કરે છે.

1953ની વાસ્તવિક એશિઝ મેચ સાથે જોડાઈ ફિલ્મની કહાની

આ ફિલ્મ જે વર્ષે બની હતી, તે જ વર્ષે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝની નિર્ણાયક ટેસ્ટ મેચ ઓવલમાં રમાઈ હતી. સિરીઝની પ્રથમ ચારેય ટેસ્ટ ડ્રો રહી હતી. તેથી પાંચમી ટેસ્ટનું પરિણામ એશિઝ વિજેતા નક્કી કરવાનું હતું. 15થી 19 ઓગસ્ટ 1953 દરમિયાન રમાયેલી આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં ટોની લોકે 5 અને જિમ લેકરે 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે આ જીત સાથે 5 મેચની સિરીઝ 1-0થી જીતીને 19 વર્ષ બાદ એશિઝ પોતાના નામે કરી હતી.

આ વાસ્તવિક ક્રિકેટ ઇતિહાસ અને ફિલ્મની કાલ્પનિક મેચ વચ્ચે એક અનોખો સંબંધ બંધાયો હતો. ‘The Final Test’ આજે પણ ક્રિકેટ અને સિનેમાના મિલનનું યાદગાર ઉદાહરણ ગણાય છે.

આ પણ વાંચો: SA VS AUS: આચારસંહિતા ભંગ: ICC એ દક્ષિણ આફ્રિકાના ખેલાડી અને કોચને ફટકાર લગાવી