અંડર-19 એશિયા કપ 2026માં ભારતને પાકિસ્તાન સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. ઓમાનના અલ અમરાતમાં રમાયેલી ગ્રુપ-એની આ મેચમાં ભારતે પહેલાં બેટિંગ કરતાં 46.3 ઓવરમાં 208 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 48.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 209 રન બનાવી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી અર્જુન રાજપૂતે શાનદાર બેટિંગ કરતાં 85 બોલમાં 107 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. જોકે, અર્જુનની સદી છતાં ભારતીય ટીમ મોટો સ્કોર બનાવી શકી નહોતી.

સહેવાગ અને દ્રવિડના દીકરા ફ્લોપ

ભારત તરફથી પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગનો દીકરો આર્યવીર સહેવાગ અને રાહુલ દ્રવિડનો દીકરો અન્વય દ્રવિડ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. આર્યવીરે 40 બોલમાં 22 રન બનાવ્યા હતા, જ્યારે અન્વય દ્રવિડના બેટમાંથી 16 બોલમાં માત્ર 10 રન આવ્યા હતા. બંનેને નિકાબ શફીકે આઉટ કર્યા હતા. ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી. એક સમયે ટીમે 42 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અર્જુન રાજપૂતે મોરચો સંભાળ્યો હતો. તેણે અન્વય દ્રવિડ સાથે પાંચમી વિકેટ માટે 44 રન જોડ્યા હતા. અર્જુને મનલ ચૌહાણ સાથે પણ 64 રનની ભાગીદારી કરી હતી. જોકે, તેની વિકેટ પડ્યા બાદ ભારતની બાકીની ટીમ વધારે રન ઉમેરી શકી નહોતી.

હમઝા ઝહૂરે પાકિસ્તાનને જીત અપાવી

209 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટીમે 61 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ હમઝા ઝહૂરે હસનૈન અબ્બાસ ડાર સાથે મળીને ઇનિંગ્સ સંભાળી હતી. હમઝાએ 108 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા હતા. બીજી તરફ અબ્બાસ ડારે 67 બોલમાં 38 રન બનાવ્યા હતા. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 107 રનની ભાગીદારી થઈ હતી.

આ ભાગીદારીએ મેચનું પાસું પલટી નાખ્યું હતું. હમઝાની સદીના આધારે પાકિસ્તાને 48.1 ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો. ભારત તરફથી મનલ ચૌહાણે 3 અને મોહિત ઉલ્વાએ 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: Rohit Sharmaને આ 5 બોલરો સામે રમવું ભારે પડે છે! એક બોલરે તો 7 વખત આઉટ કર્યો