ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટર રોહિત શર્મા પોતાની આક્રમક બેટિંગ અને મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. વનડે ક્રિકેટમાં તેના નામે ત્રણ બેવડી સદી છે. શ્રીલંકા સામે 2014માં બનાવેલા 264 રન આજે પણ આ ફોર્મેટનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. જોકે, રોહિત જેવા અનુભવી બેટરને પણ કેટલાક બોલરોએ વારંવાર મુશ્કેલીમાં મૂક્યો છે. વનડે ક્રિકેટમાં રોહિતને સૌથી વધુ વખત આઉટ કરનારા બોલરોની યાદીમાં શ્રીલંકાના એન્જેલો મેથ્યુઝ પ્રથમ સ્થાને છે. તેમણે રોહિતને અત્યાર સુધી 7 વખત પેવેલિયન મોકલ્યો છે. આ દરમિયાન રોહિતની બેટિંગ સરેરાશ માત્ર 14.7 રહી છે. એટલે કે મેથ્યુઝ સામે રોહિત ખાસ સફળ રહ્યો નથી.

ટિમ સાઉથી બીજા ક્રમે

ન્યૂઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર ટિમ સાઉથી આ યાદીમાં બીજા સ્થાને છે. તેમણે રોહિતને વનડેમાં 6 વખત આઉટ કર્યો છે. સાઉથી સામે રોહિતની સરેરાશ 19.2 રહી છે. એટલે કે મેથ્યુઝની જેમ સાઉથી પણ રોહિત સામે અસરકારક સાબિત થયા છે. દક્ષિણ આફ્રિકાના બે ઝડપી બોલરો પણ આ યાદીમાં સામેલ છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર મોર્ને મોર્કેલ અને કાગિસો રબાડાએ રોહિતને 5-5 વખત આઉટ કર્યો છે. મોર્કેલ સામે રોહિતની સરેરાશ 24.6 અને રબાડા સામે 26.2 રહી છે.

કાયલ જેમિસન પણ રોહિત માટે પડકાર

ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર કાયલ જેમિસને પણ રોહિતને વનડેમાં 4 વખત આઉટ કર્યો છે. તેની સામે રોહિતની સરેરાશ 17.3 છે. તાજેતરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી વનડેમાં પણ જેમિસને રોહિતને 23 રનના સ્કોરે આઉટ કર્યો હતો. આ પહેલાં પ્રથમ વનડેમાં પણ રોહિત તેની સામે ખાતું ખોલાવી શક્યો નહોતો. આ યાદીમાં નાથન કૂલ્ટર-નાઇલ, રવિ રામપોલ, અલ્ઝારી જોસેફ, ટ્રેન્ટ બોલ્ટ, નુવાન કુલસેકરા, એડમ ઝમ્પા, મિચેલ સ્ટાર્ક અને કેમર રોચનાં નામ પણ છે. આ તમામ બોલરોએ રોહિતને વનડેમાં 4-4 વખત આઉટ કર્યો છે.

Rohit Sharma

આ આંકડા દર્શાવે છે કે રોહિતે ભલે વનડેમાં અનેક મોટા રેકોર્ડ બનાવ્યા હોય, પરંતુ કેટલાક બોલરો સામે તેને સતત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને મેથ્યુઝ અને સાઉથી સામે તેનો રેકોર્ડ નોંધપાત્ર રીતે નબળો રહ્યો છે.

આ પણ વાંચો: Ranji Trophy: "જિંદગીભર યાદ રહેશે આ અનુભવ!" ભારતમાં અમ્પાયરિંગ કરીને ગદગદ થયો ઓસ્ટ્રેલિયન અમ્પાયર