ઓસ્ટ્રેલિયાના અમ્પાયર બેન ટ્રેલોર માટે ભારતનો પ્રવાસ યાદગાર બની ગયો છે. રણજી ટ્રોફીની બે મેચમાં અમ્પાયરિંગ કર્યા બાદ તેઓ ભારતના અનુભવથી એટલા પ્રભાવિત થયા છે કે હવે પરિવાર સાથે ફરી અહીં આવવાની ઇચ્છા ધરાવે છે. તેમણે કહ્યું કે ભારતના પ્રવાસ દરમિયાન મળેલો અનુભવ તેઓ જીવનભર યાદ રાખશે. બેન ટ્રેલોરે ઓક્ટોબરના બીજા પખવાડિયામાં ભારતમાં સમય વિતાવ્યો હતો. તેમણે રણજી ટ્રોફીની બીજી મેચમાં દિલ્હી અને ગુજરાત વચ્ચે પાલમ એરફોર્સ 'બી' મેદાન પર અમ્પાયરિંગ કર્યું હતું. ત્યારબાદ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) મેદાન પર મુંબઈ અને હરિયાણા વચ્ચે રમાયેલી ત્રીજા રાઉન્ડની મેચમાં પણ અમ્પાયર તરીકે ફરજ બજાવી હતી. તેમનો આ પ્રવાસ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચેના અમ્પાયર એક્સચેન્જ કાર્યક્રમનો ભાગ હતો. આ કાર્યક્રમ હેઠળ ભારતીય અમ્પાયર પરાશર જોશી ઓસ્ટ્રેલિયામાં શેફિલ્ડ શીલ્ડની બે મેચ અને વનડે કપની એક મેચમાં અમ્પાયરિંગ કરશે.
318.5 ઓવર સુધી મેદાન પર રહ્યા
બેન ટ્રેલોર માટે રણજી ટ્રોફીમાં અમ્પાયરિંગનો અનુભવ સરળ નહોતો. પાલમમાં દિલ્હી અને ગુજરાત વચ્ચેની મેચ ડ્રો રહી હતી. આ મેચમાં ચાર દિવસ દરમિયાન તેઓ કુલ 318.5 ઓવર સુધી મેદાન પર રહ્યા હતા. જોકે, 21 વર્ષથી અમ્પાયરિંગ કરી રહેલા ટ્રેલોરે પોતાના અનુભવનો ઉપયોગ કરીને આ જવાબદારી સારી રીતે નિભાવી હતી. તેમણે જણાવ્યું કે મેચ પહેલાં તેમને થોડી ગભરામણ હતી. રણજી ટ્રોફીનો ઇતિહાસ અને તેનું મહત્ત્વ તેઓ જાણતા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને બીસીસીઆઈએ તેમના પર જે વિશ્વાસ મૂક્યો હતો, તેને યોગ્ય સાબિત કરવાની ઇચ્છા પણ હતી. જોકે, પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ તેમની ગભરામણ ઓછી થઈ ગઈ હતી.
