ક્રિકેટ જગતમાં અત્યારે માત્ર અને માત્ર ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માના જ ચર્ચાઓ ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડ સામે વેલિંગટનમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં અભિષેકે માત્ર 38 બોલમાં 113 રનની જે ઐતિહાસિક અને ધમાકેદાર ઇનિંગ રમી, તેણે દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજોને ચોંકાવી દીધા છે. પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર અને બેટર કામરાન અકમલે અભિષેક શર્માની આ વિસ્ફોટક સદી પર ખુલ્લેઆમ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેની બેટિંગ જોઈને પોતે પણ દંગ રહી ગયા હોવાનું જણાવ્યું છે.
‘આવું તોફાન પહેલાં ક્યારેય જોયું નથી’
કામરાન અકમલે પોતાની યુટ્યુબ ચેનલ પર અભિષેક શર્માની બેટિંગ વિશે વાત કરતા કહ્યું કે, મેં મેદાન પર આ પહેલાં ક્યારેય આવી તબાહી જોઈ નથી. અભિષેક શર્માએ જે પ્રકારે ન્યૂઝીલેન્ડના અનુભવી બોલરોની ધોલાઈ કરી છે તે ખરેખર અવિશ્વસનીય છે. માત્ર 35 બોલમાં સદી ફટકારવી અને મેદાનના ચારેય ખૂણે ક્લાસિક શોટ્સ રમવા એ કોઈ સામાન્ય ખેલાડીનું કામ નથી. કામરાને સ્વીકાર્યું કે આધુનિક ક્રિકેટમાં ભારતીય યુવા ખેલાડીઓ જે પ્રકારનું નિર્ભય અને આક્રમક ક્રિકેટ રમી રહ્યા છે, તેનો મુકાબલો કરવો કોઈપણ વિરોધી ટીમ માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે.
35 બોલમાં સદી, 38 બોલમાં 113 રન!
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં ભારતને 199 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. અભિષેક શર્માએ માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે કુલ 38 બોલમાં 113 રન ફટકાર્યા હતા, જેમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થયો હતો. બીજી તરફ, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પણ 19 બોલમાં 45 રન બનાવીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી હતી. ભારતે પાવરપ્લેની 6 ઓવરમાં 118 રન બનાવીને પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.
ભારતીય ક્રિકેટ સિસ્ટમનાં પણ કર્યા વખાણ
કામરાન અકમલે માત્ર અભિષેકની બેટિંગની જ પ્રશંસા કરી નહોતી, પરંતુ ભારતીય ક્રિકેટમાં યુવા ખેલાડીઓને તૈયાર કરવાની પદ્ધતિ અંગે પણ વાત કરી હતી. તેમના મતે, ભારતમાં યુવા પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI), રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) જેવી વ્યવસ્થાઓ દ્વારા યુવા ખેલાડીઓને તૈયાર કરવાની પ્રક્રિયાનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કામરાનના મતે, આ પ્રકારનું આયોજન ખેલાડીઓને મોટા મંચ પર પોતાની પ્રતિભા બતાવવામાં મદદરૂપ બને છે.
પાકિસ્તાનના અન્ય ક્રિકેટરોએ પણ કર્યા વખાણ
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અહમદ શહઝાદ અને બાસિત અલીએ પણ પ્રતિક્રિયાઓ આપી. અહમદ શહઝાદે અભિષેકની આક્રમક બેટિંગની પ્રશંસા કરી હતી, જ્યારે બાસિત અલીએ ભારતીય ટીમની રમત અને ક્રિકેટ સિસ્ટમને બિરદાવી હતી.
અભિષેક શર્માની આ ઇનિંગ માત્ર ભારતની જીત માટે જ નહીં, પરંતુ તેની વ્યક્તિગત ક્ષમતા માટે પણ યાદગાર બની છે. 35 બોલમાં સદી અને 38 બોલમાં 113 રનની ઇનિંગ બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો પણ તેની બેટિંગની ચર્ચા કરી રહ્યા છે. હવે અભિષેક આગામી મેચોમાં પણ આ જ લય જાળવી રાખે છે કે નહીં, તેના પર ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચો: IND VS NZ: અભિષેકની સદી જોઈ આ દિગ્ગજ પણ દંગ! બોલ્યો—‘હું પણ 30 કે 34 બોલમાં સદી ન ફટકારી શકું’