પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે,જ્યાં બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની શરૂઆત પાકિસ્તાન માટે નિરાશાજનક રહી છે. પ્રથમ બંને ટેસ્ટમાં પાકિસ્તાનને પરાજયનો સામનો કરવો પડ્યો છે. લોર્ડ્સ ટેસ્ટમાં મળેલી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. PCBએ પ્રવાસ પર ગયેલા 7 ખેલાડીઓને સ્વદેશ પરત ફરવાનો આદેશ આપ્યો છે.તેમાં ઓપનિંગ બેટર ઇમામ-ઉલ-હકનું નામ પણ સામેલ છે.
ઇમામ લોર્ડ્સ ટેસ્ટના થઈ હતી ઈજા
ઇમામ લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે મેચની બંને ઇનિંગ્સમાં બેટિંગ કરવા માટે મેદાન પર ઉતર્યો નહોતો. આ બાબતને લઈને તેને સોશિયલ મીડિયા સહિત અનેક સ્તરે ટીકા સહન કરવી પડી હતી. હવે ઇમામની મુશ્કેલીઓ વધુ વધી શકે છે, કારણ કે PCB તેની ઈજાના સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવાની તૈયારીમાં છે.
ઇમામની ઈજાના પેટર્નની થશે તપાસ
ઇમામ-ઉલ-હક 1 સપ્ટેમ્બરે લંડનથી પાકિસ્તાન પરત ફર્યો છે. હવે PCBની તપાસ સમિતિ તેની પિંડળીની ઈજાની તપાસ કરી શકે છે. આ જ ઈજાના કારણે તે લોર્ડ્સ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં બેટિંગ કરી શક્યો નહોતો.ઇમામ માટે આ તપાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ બની છે કારણ કે તેની ઈજાને લઈને અગાઉ પણ સવાલો ઉઠી ચૂક્યા છે. પૂર્વ મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે ઇમામની લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન ઈજાના સમાચાર સામે આવ્યા બાદ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.મોહમ્મદ વસીમના જણાવ્યા અનુસાર,પાકિસ્તાન ટીમના પૂર્વ ફિઝિયો ક્લિફ ડીકને વર્ષ 2022માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇમામની ઈજાના પેટર્નને શંકાસ્પદ ગણાવ્યો હતો. હવે આ જૂના દાવાઓને કારણે PCBની તપાસ વધુ મહત્વપૂર્ણ બની શકે છે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસની ઈજા પણ ચર્ચામાં
ઇમામની ઈજાને લઈને વર્ષ 2025ની એક PCB રિપોર્ટ પણ ચર્ચામાં આવી છે. આ રિપોર્ટમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ઇમામે પગના અંગૂઠાની ઈજાને લઈને બહાનું કર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.હવે PCB ઇંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ થયા બાદ ટીમ પાકિસ્તાન પરત ફરશે ત્યારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી શકે છે. આ તપાસ માત્ર ઇમામની ઈજા પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ટીમના ડ્રેસિંગ રૂમ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓની પણ તપાસ થઈ શકે છે.PCBએ ઇમામ સહિત કુલ 7 ખેલાડીઓને પ્રવાસની વચ્ચે જ પાકિસ્તાન પરત બોલાવ્યા છે. આ ઉપરાંત મુખ્ય કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ કોચ ઉમર ગુલને પણ પ્રવાસ અધવચ્ચે જ સ્વદેશ પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.હવે ઇમામ-ઉલ-હકની ઈજા અંગે PCB શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. જો તપાસ દરમિયાન ઈજાને લઈને કોઈ ગંભીર બાબત સામે આવે છે, તો ઇમામ માટે આગામી સમયમાં મુશ્કેલી વધી શકે છે. બીજી તરફ, જો તેની ઈજા યોગ્ય હોવાનું સાબિત થાય છે તો તેના પર લાગેલા સવાલોનો પણ અંત આવી શકે છે.
આ પણ વાંચો - Cricket News: ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ કેટલી બદલાઈ ટીમ ઈન્ડિયા? આ 8 ખેલાડીઓ થયા બહાર