પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વનડે ટ્રાઇ સિરીઝની ફાઇનલમાં પાકિસ્તાને શાનદાર જીત મેળવી છે. શાહીન આફ્રિદીની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે 326 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરીને 3 વિકેટથી મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનની આ જીતનો સૌથી મોટો હીરો ઓપનર બેટ્સમેન ફખર ઝમાન રહ્યો હતો.તેણે માત્ર 99 બોલમાં 127 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.આ દરમિયાન તેના બેટમાંથી 11 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા.આ શાનદાર સદી સાથે ફખર ઝમાને વનડે ક્રિકેટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાની બરાબરી કરી છે. બીજી તરફ આ યાદીમાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હજુ પણ પ્રથમ સ્થાને છે.

ફખર ઝમાને કુમાર સંગાકારાની કરી બરાબરી

વનડે ક્રિકેટમાં 300થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ફખર ઝમાનની આ ચોથી સદી હતી. આ સાથે તેણે કુમાર સંગાકારા અને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન રોસ ટેલરની બરાબરી કરી છે. આ ત્રણેય ખેલાડીઓએ 300થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 4-4 સદી ફટકારી છે.આ યાદીમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. તેણે 300થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે અત્યાર સુધી સૌથી વધુ 10 સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્મા 7 સદી સાથે બીજા અને જો રૂટ 6 સદી સાથે ત્રીજા સ્થાને છે. ઇંગ્લેન્ડના જેસન રોય 5 સદી સાથે ચોથા ક્રમે છે.

શ્રીલંકા તરફથી કમિન્દુ મેન્ડિસની પણ સદી

ફાઇનલ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કમિન્દુ મેન્ડિસે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 128 બોલમાં 131 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.જોકે, શ્રીલંકાના અન્ય બેટ્સમેનો પાકિસ્તાની બોલિંગ સામે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. 326 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે 48.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 331 રન બનાવીને મેચ જીતી લીધી હતી.આ સદી સાથે ફખર ઝમાન વનડે ફાઇનલમાં 2 સદી ફટકારનારો પાકિસ્તાનનો માત્ર બીજો બેટ્સમેન બન્યો છે. તેની આ ઇનિંગે પાકિસ્તાનને ટ્રોફી જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

https://x.com/ICC/status/2116734599619588600?a=RWwSjfWSW-AsixsDMF8&s=20

પાકિસ્તાને 24 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી

શ્રીલંકા સામેની આ જીત સાથે પાકિસ્તાને ભારતીય ક્રિકેટના 24 વર્ષ જૂના એક ખાસ રેકોર્ડની બરાબરી કરી છે. વનડે ક્રિકેટના ઇતિહાસમાં ફાઇનલ મેચમાં 326 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કરવાનો આ એક ઐતિહાસિક પ્રસંગ છે.આ પહેલાં ભારતીય ટીમે વર્ષ 2002માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 326 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. હવે પાકિસ્તાને શ્રીલંકા સામે ફાઇનલમાં 326 રનનો પીછો કરીને ભારતના આ રેકોર્ડની બરાબરી કરી છે.

આ પણ વાંચો - Pat Cummins statement : ટેસ્ટમાં હાર બાદ પેટ કમિન્સનો મોટો નિર્ણય! આ ખેલાડીઓની થશે છુટ્ટી?