વુમન્સ એશિયા કપ 2026ની સેમિફાઇનલમાં પાકિસ્તાનને શ્રીલંકા સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 11 સપ્ટેમ્બરે રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, ટીમને ફાઇનલમાં પહોંચાડી ન શકવાનું દુઃખ મેચ બાદ તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા.
પાકિસ્તાનને મળી હાર
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી. એક પછી એક વિકેટ પડતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ફાતિમા સનાએ જવાબદારી સંભાળી અને મહત્વપૂર્ણ કેપ્ટનશિપ ઇનિંગ રમી. તેમણે 36 બોલમાં અણનમ 47 રન બનાવ્યા. ગરમી વચ્ચે તેમને ક્રેમ્પ્સની તકલીફ પણ થઈ હતી, પરંતુ તેમણે હિંમત ન હારી અને અંત સુધી બેટિંગ કરી. ફાતિમાએ તુબા હસન સાથે મળીને અંતિમ 4 ઓવરમાં ઝડપી રન બનાવ્યા અને પાકિસ્તાનને 130/6ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું. ત્યારબાદ પાકિસ્તાને આ સ્કોરનો બચાવ કરવા બોલિંગ શરૂ કરી ત્યારે પણ ફાતિમાએ જોરદાર શરૂઆત કરી.
ફાતિમાએ એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી
ફાતિમા સનાએ પોતાની પ્રથમ ઓવરમાં જ સતત 2 બોલમાં શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને સંજના કવિંદીને આઉટ કરી દીધા.શ્રીલંકાએ 33 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે પાકિસ્તાન મેચમાં મજબૂત સ્થિતિમાં હતું અને તેની જીતની શક્યતા વધી ગઈ હતી.પરંતુ હર્ષિતા સમરવિક્રમા અને કવિશા દિલહારી વચ્ચેની 67 રનની ભાગીદારીએ મેચની દિશા બદલી નાખી.હર્ષિતાએ 36 રન અને કવિશાએ 33 રન બનાવ્યા.બંનેએ પાકિસ્તાનના બોલરો સામે જવાબદારીપૂર્વક બેટિંગ કરીને શ્રીલંકાને ફરી મેચમાં લાવી દીધું.ફાતિમાએ ફરી એકવાર પાકિસ્તાનને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે પોતાના ત્રીજા ઓવરમાં પહેલાં હર્ષિતા સમરવિક્રમાને અને ત્યારબાદ કવિશા દિલહારીને આઉટ કરી 4 વિકેટ પૂરી કરી.જોકે,ત્યાર પછી કૌશાની નુત્યંગના અને નિલાક્ષિકા સિલ્વાએ શ્રીલંકાની જવાબદારી સંભાળી.શ્રીલંકાને જીત અપાવી અને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું.
https://x.com/AjayJadeja171/status/2098649350239142162?s=20
શાનદાર પ્રદર્શન છતાં ફાતિમાને મળ્યું હારનું દુઃખ
ફાતિમા સનાએ આ સેમિફાઇનલમાં અણનમ 47 રન બનાવવાની સાથે 4 વિકેટ પણ ઝડપી હતી.તેમના આ શાનદાર પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.જોકે, ટીમની હારના કારણે આ વ્યક્તિગત સિદ્ધિનો આનંદ તેમના માટે અધૂરો રહ્યો.મેચ પૂર્ણ થયા બાદ ફાતિમા ભાવુક થઈ ગઈ હતી. તેમની આંખોમાં આંસુ સ્પષ્ટ જોવા મળ્યા. પાકિસ્તાનને ફાઇનલમાં પહોંચાડવા માટે તેમણે બેટ અને બોલ બંનેથી સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો.મેચ બાદ ફાતિમાએ ટીમની ફિલ્ડિંગમાં થયેલી ભૂલોને હારનું એક મોટું કારણ ગણાવ્યું.તેમના મતે 130 રનનો સ્કોર બચાવી શકાય તેમ હતો, પરંતુ ટીમે બેટિંગમાં પણ વધુ સુધારો કરવાની જરૂર છે.શ્રીલંકાની ટીમની પાકિસ્તાન સામે વુમન્સ એશિયા કપની સેમિફાઇનલમાં આ સતત ત્રીજી જીત છે.હવે 13 સપ્ટેમ્બરે રમાનારી ફાઇનલમાં શ્રીલંકાનો સામનો ભારત સામે થશે.
આ પણ વાંચો - Londonમાં વિરાટ કોહલી અને એકનાથ શિંદેની મુલાકાત, બંને વચ્ચે શું વાતચીત થઈ?