ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી હાલમાં લંડનમાં વધુ સમય પસાર કરી રહ્યો છે.જોકે,સપ્ટેમ્બરના અંતમાં તે ફરી ભારતની જર્સીમાં મેદાન પર જોવા મળી શકે છે.આ દરમિયાન લંડનમાં વિરાટ કોહલી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મુલાકાત થઈ હતી.એક કાર્યક્રમ માટે લંડન પહોંચેલા એકનાથ શિંદેને મળવા માટે વિરાટ કોહલી પણ ત્યાં પહોંચ્યો હતો.મુલાકાત દરમિયાન શિંદેએ વિરાટ કોહલીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.બંને વચ્ચે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી.

એકનાથ શિંદેએ વિરાટ કોહલીના કર્યા વખાણ

મુલાકાત અંગે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે લંડન ગયા હતા. વિરાટ કોહલીને જ્યારે ખબર પડી કે તેઓ લંડનમાં છે ત્યારે તે તેમને મળવા આવ્યો હતો.શિંદેએ આ મુલાકાતને સદભાવના મુલાકાત ગણાવી હતી. તેમણે વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યું કે તે વિશ્વના મોટા ક્રિકેટરોમાં સામેલ છે, પરંતુ આટલી મોટી ઓળખ હોવા છતાં તે ખૂબ જ સરળ સ્વભાવનો છે.એકનાથ શિંદેએ જણાવ્યું કે વિરાટ સાથે તેમની અગાઉ પણ મુલાકાત થઈ ચૂકી છે, પરંતુ આ વખતે બંને વચ્ચે સીધી અને લાંબી વાતચીત થઈ. વાતચીત દરમિયાન મહારાષ્ટ્ર સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓ અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં માળખાકીય વિકાસને લઈને પણ વિરાટને માહિતી આપવામાં આવી હતી.

https://x.com/ANI/status/2098371339270991985?s=20


લંડનમાં એકનાથ શિંદેનું સન્માન

એકનાથ શિંદે ગુરુવારે લંડન પહોંચ્યા હતા.અહીં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્ર મંડળ દ્વારા તેમને ગ્લોબલ પ્રાઇડ ઓફ મહારાષ્ટ્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન શિંદેએ લંડનમાં આંતરરાષ્ટ્રીય મરાઠી સાહિત્ય મહોત્સવ યોજવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. આ પહેલાં તેમણે લંડનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાનની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સપ્ટેમ્બરમાં ફરી મેદાન પર જોવા મળશે વિરાટ

વિરાટ કોહલી ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે તે માત્ર વનડે ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.સપ્ટેમ્બરના અંતમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવવાની છે.બંને ટીમો વચ્ચે 3 વનડે મેચ રમાવાની છે.ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળવાની પૂરી શક્યતા છે.ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાવાની છે.જો વિરાટ ટીમમાં સામેલ થાય છે તો લાંબા સમય બાદ ભારતીય ચાહકોને ફરી એકવાર તેને મેદાન પર રમતા જોવાનો મોકો મળશે.હાલ વિરાટ કોહલી લંડનમાં છે,પરંતુ તેની આગામી ક્રિકેટ વાપસીની ચર્ચા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી તેના માટે 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ બની શકે છે.

આ પણ વાંચો - Virat Kohli માટે ખુલ્લા દિલ્હીના દરવાજા, હવે આ ટુર્નામેન્ટમાં જોવા મળશે