ભારતીય ક્રિકેટના સ્ટાર બેટર વિરાટ કોહલી ફરી એકવાર ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમ તરફથી રમતા જોવા મળી શકે છે. વિજય હઝારે ટ્રોફી 2026-27માં કોહલી રમશે કે નહીં તેને લઈને ચર્ચા ચાલી રહી છે.આ વચ્ચે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રોહન જેટલીએ વિરાટ કોહલીની વાપસીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.રોહન જેટલીએ સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલી માટે દિલ્હીની ટીમના દરવાજા હંમેશા ખુલ્લા છે. જો કોહલી ઉપલબ્ધ રહેશે અને પોતાના વર્કલોડને ધ્યાનમાં રાખીને ઘરેલુ ક્રિકેટ રમવાનો નિર્ણય કરશે તો તે ફરીથી દિલ્હી માટે મેદાનમાં ઉતરી શકે છે.

વિરાટ માટે દિલ્હીના દરવાજા ખુલ્લા

વિજય હઝારે ટ્રોફી 2026-27ની શરૂઆત 14 ડિસેમ્બરથી થવાની છે.આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી રમશે કે નહીં તેના પર ક્રિકેટ ચાહકોની નજર છે. DDCA વિરાટ કોહલીનું ઘરેલુ ક્રિકેટ એસોસિએશન છે અને જ્યારે પણ તે ઉપલબ્ધ હશે ત્યારે દિલ્હી માટે રમવા અંગે કોઈ મુશ્કેલી નહીં હોય. તેમણે કોહલીની દિલ્હીની ટીમ માટે રમવાની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી.રોહન જેટલીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે DDCA વિરાટને ફરીથી વિજય હઝારે ટ્રોફીમાં રમતા જોવા માટે તૈયાર છે. જોકે, અંતિમ નિર્ણય કોહલીની ઉપલબ્ધતા અને તેના વર્કલોડ પર નિર્ભર રહેશે.

https://x.com/PuneetA77622712/status/2098432179428794447?s=20

ગયા વર્ષે વિરાટે મચાવ્યો હતો ધમાલ

વિરાટ કોહલીએ વિજય હઝારે ટ્રોફીની છેલ્લી સિઝનમાં લાંબા સમય બાદ વાપસી કરી હતી. તે સમયે BCCIના ઘરેલુ ક્રિકેટમાં રમવાના નિર્ણય બાદ અનેક મોટા ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.વિરાટે લગભગ 15 વર્ષ બાદ વિજય હઝારે ટ્રોફીમાં વાપસી કરી હતી અને દિલ્હી માટે 2 મેચ રમી હતી. બંને મેચમાં તેણે જોરદાર બેટિંગ કરીને પોતાની ક્ષમતા બતાવી હતી.આંધ્ર પ્રદેશ સામેની મેચમાં વિરાટે 101 બોલમાં 131 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ ગુજરાત સામેની મેચમાં તેણે 61 બોલમાં 77 રન બનાવ્યા હતા. આમ, માત્ર 2 મેચમાં વિરાટના બેટમાંથી કુલ 208 રન આવ્યા હતા.

2027 વનડે વર્લ્ડ કપ પર વિરાટની નજર

વિરાટ કોહલી ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે તે માત્ર વનડે ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.આવી સ્થિતિમાં તેનો મુખ્ય લક્ષ્ય 2027નો વનડે વર્લ્ડ કપ હોવાનું માનવામાં આવે છે.આગામી વર્લ્ડ કપ માટે પોતાની મેચ પ્રેક્ટિસ અને ફિટનેસ જાળવી રાખવા માટે ઘરેલુ ક્રિકેટ વિરાટ માટે ઉપયોગી બની શકે છે. તેથી જો તે ઉપલબ્ધ રહેશે તો વિજય હઝારે ટ્રોફીમાં રમવાનો નિર્ણય તેના માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.હાલ DDCA તરફથી વિરાટ કોહલી માટે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે તે જ્યારે પણ રમવા માટે ઉપલબ્ધ હશે ત્યારે દિલ્હી તેની પસંદગી માટે તૈયાર રહેશે. હવે જોવાનું એ રહેશે કે વિરાટ પોતે વિજય હઝારે ટ્રોફી 2026-27માં રમવાનો નિર્ણય કરે છે કે નહીં.

આ પણ વાંચો - Jasprit Bumrahના યોર્કર સામે વૈભવની અગ્નિપરીક્ષા, નેટ્સમાં જોવા મળ્યો જૂનો અંદા