ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી 3 મેચની T20 સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝની તમામ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. એશિયન ગેમ્સ 2026ને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ભારત માટે મહત્વની માનવામાં આવી રહી છે. સિરીઝ માટે ભારતીય ટીમ દિલ્હી પહોંચી ગઈ છે અને 11 સપ્ટેમ્બરે ટીમે મેદાન પર જોરદાર પ્રેક્ટિસ કરી હતી.

બુમરાહ વાપસી માટે તૈયાર 

પ્રેક્ટિસ સેશન દરમિયાન સૌની નજર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પર હતી.ઈજાના કારણે અગાઉની કેટલીક સિરીઝથી બહાર રહેલો બુમરાહ હવે સંપૂર્ણ ફિટ થઈને વાપસી માટે તૈયાર છે. નેટ્સમાં તેની બોલિંગની ધાર જોવા મળી હતી. ખાસ કરીને 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશીને બુમરાહની બોલિંગ સામે બેટિંગ કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બુમરાહ સામે વૈભવની આકરી કસોટી

અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચ પહેલાં ભારતીય ટીમે નેટ્સમાં લાંબો સમય પ્રેક્ટિસ કરી હતી.આ દરમિયાન બુમરાહ પોતાની ઓળખ મુજબની સચોટ બોલિંગ કરતો જોવા મળ્યો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર,વૈભવ સૂર્યવંશીએ બુમરાહની શરૂઆતની કેટલીક બોલનો સામનો કર્યો હતો.બુમરાહે ગુડ લેન્થ પર બોલ નાખ્યો ત્યારે વૈભવ તેને રમવાનો પ્રયાસ કરવા છતાં બોલ સુધી પહોંચી શક્યો નહોતો.ત્યારબાદ ફરી સમાન લેન્થની બોલ સામે પણ યુવા બેટર મુશ્કેલીમાં જોવા મળ્યો.આ પછી બુમરાહે સચોટ યોર્કર નાખી હતી,જેને વૈભવે કોઈ રીતે બેટ લગાવીને રોકી હતી.ત્યારબાદ આવેલી થોડી ટૂંકી બોલ પર વૈભવના બેટની કિનારી લાગી હતી.જોકે, એક બોલ બુમરાહે થોડી આગળની લેન્થ પર નાખી ત્યારે વૈભવે શાનદાર શોટ રમ્યો હતો. તેણે કવર ઉપરથી બોલને બાઉન્ડ્રીની બહાર મોકલીને પોતાની બેટિંગ ક્ષમતા પણ બતાવી હતી.

https://x.com/Anurag9793/status/2098439008821064175?s=20

બુમરાહની ફિટનેસ પર રહેશે સૌની નજર

જસપ્રીત બુમરાહને વિશ્વ ક્રિકેટના સૌથી અસરકારક ઝડપી બોલર્સમાં ગણવામાં આવે છે.તેની ચોકસાઈ ઝડપ અને યોર્કર બોલિંગને કારણે મોટા બેટર્સ માટે પણ તેનો સામનો કરવો મુશ્કેલ બને છે.અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ બુમરાહ માટે પણ મહત્વની રહેશે. લાંબા સમય બાદ વાપસી કરી રહેલા બુમરાહની ફિટનેસ અને મેચમાં તેની બોલિંગ પર સૌની નજર રહેશે.ભારતને આગામી સમયમાં અનેક મહત્વની મેચો રમવાની છે અને તેમાં બુમરાહ ટીમની બોલિંગનો મહત્વનો આધાર બની શકે છે.

વૈભવ માટે પણ મોટી તક

બીજી તરફ વૈભવ સૂર્યવંશી માટે આ સિરીઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ક્ષમતા બતાવવાની મોટી તક બની શકે છે.માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર વૈભવને વિશ્વસ્તરીય બોલર્સ સામે રમવાનો અનુભવ મળી રહ્યો છે.બુમરાહ જેવા બોલર સામે નેટ્સમાં થયેલી આ કસોટી યુવા બેટર માટે મહત્વપૂર્ણ અનુભવ સાબિત થઈ શકે છે.હવે સૌની નજર 13 સપ્ટેમ્બરે યોજાનારી પ્રથમ T20 મેચ પર રહેશે અને જો વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં તક મળે છે તો તે કેવું પ્રદર્શન કરે છે તેના પર પણ ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

આ પણ વાંચો - Babar Azamની ઐતિહાસિક સિદ્ધિ ,આ મામલે પાકિસ્તાનનો બીજો સફળ કેપ્ટન બન્યો