દિવાળીના પર્વ પર ભારતીય ક્રિકેટ ચાહકોને વિદેશી ક્રિકેટરો તરફથી પણ શુભેચ્છાઓ મળી રહી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રેમ સ્મિથે ભારતીય ચાહકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશ આપીને ભારતીય ક્રિકેટ પરિવાર માટે ખુશી અને સફળતાની કામના કરી છે. હાલમાં સાઉથ આફ્રિકાની T20 લીગ SA20ના કમિશનર તરીકે જવાબદારી સંભાળતા ગ્રેમ સ્મિથે લીગના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અને સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું, 'અમારા ક્રિકેટ પરિવારને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. પ્રકાશનો આ તહેવાર તમારા અને તમારા પરિવારના જીવનમાં ખુશીઓ, સફળતા અને ઘણી સુંદર ક્ષણો લઈને આવે તેવી શુભકામનાઓ.'
સ્મિથના આ સંદેશને ભારતીય ક્રિકેટ ચાહકો સાથેના સંબંધો અને ભારતમાં ક્રિકેટ પ્રત્યેના લગાવ તરીકે જોવામાં આવી રહ્યો છે. SA20 લીગમાં ભારતીય ક્રિકેટ ચાહકોનો રસ પણ સતત વધી રહ્યો છે.
SA20ની પાંચમી સિઝન શરૂ થવાની તૈયારી
ગ્રેમ સ્મિથની દિવાળીની શુભેચ્છા એવા સમયે આવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની T20 લીગ SA20ની પાંચમી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સિઝન 17 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરી 2027 દરમિયાન રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 17 જાન્યુઆરીએ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ અને પ્રિટોરિયા કેપિટલ્સ વચ્ચેની મેચથી થશે. આ બંને ટીમો વચ્ચે ગયા સિઝનની ફાઇનલ પણ રમાઈ હતી. સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ અત્યાર સુધી 3 વખત આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી ચૂકી છે. આ સિઝનની મેચો પાર્લ, પ્રિટોરિયા, ડરબન, કેપટાઉન અને જોહાનિસબર્ગમાં રમાશે. સપ્તાહના અંતે ચાહકોને એક જ દિવસે 2 મેચ જોવાની તક મળશે, જ્યારે સોમવારને આરામના દિવસ તરીકે રાખવામાં આવ્યો છે.
કોણ છે ગ્રેમ સ્મિથ?
ગ્રેમ સ્મિથ દક્ષિણ આફ્રિકાના જાણીતા પૂર્વ ક્રિકેટર છે. તેઓ પોતાની ટીમના સફળ ટેસ્ટ કેપ્ટનોમાંના એક રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેઓ ક્રિકેટ સાથે જોડાયેલા છે. હાલમાં તેઓ SA20 લીગના કમિશનર તરીકે કામ કરી રહ્યા છે. દિવાળીના અવસરે ભારતીય ચાહકો માટે તેમનો સંદેશ ક્રિકેટની સીમાઓથી આગળ વધીને બંને દેશોના ક્રિકેટ સંબંધોને પણ દર્શાવે છે.
આ પણ વાંચો: Rohit Sharma: "વર્લ્ડ કપ જીતવા માટે કંઈ પણ કરીશ!" ગિલનાં લગ્ન પણ કરાવી દેશે રોહિત!